
દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત, વલસાડ અને દમણ-દાદરાનગર હવેલીમાં વહીવટી તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુશળધાર વરસાદને પગલે સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત શહેર, વલસાડ, વાપી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે (મંગળવારે) તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
સુરત શહેરમાં ગઈકાલે સાંજે ખાબકેલા 5 ઇંચથી વધુ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા અને કેડસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઓફિસથી ઘરે પરત ફરતા કર્મચારીઓ અને સ્કૂલેથી છૂટેલા નિર્દોષ બાળકો કલાકો સુધી રસ્તા પર ફસાઈ રહ્યા હતા. આજે ફરી આવી ગંભીર સ્થિતિ ઊભી ન થાય અને બાળકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારની તમામ શાળાઓમાં સાવચેતીના ભાગરૂપે રજા આપી દેવાઈ છે. જ્યારે સુરત ગ્રામ્ય વિસ્તારો માટે સ્થાનિક સ્થિતિ જોઈને નિર્ણય લેવા આચાર્યોને છૂટ અપાઈ છે.
ભારે વરસાદની આફત માત્ર સુરત પૂરતી સીમિત નથી, વલસાડ જિલ્લામાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. હવામાન વિભાગની ચેતવણીને પગલે વહીવટી તંત્રએ નિર્ણય લઈને વલસાડ અને વાપીની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરી દીધી છે. વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓ માટે સ્થાનિક પ્રશાસન અને શાળાના આચાર્યોને પરિસ્થિતિની સમીક્ષા કરીને યોગ્ય નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે.
સુરત અને વલસાડની જેમ જ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ આપ્યું છે. અહીં અત્યંત ભારે વરસાદ ખાબકવાની સંભાવનાને જોતા વહીવટી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. પ્રદેશની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, કોલેજો સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે સદંતર બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
