હિમાચલ-ઉત્તરાખંડમાં રાતે બરફવર્ષા થઈ, આજે વાદળ ફાટવાની શક્યતા
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં બુધવારે આખી રાત ભારે બરફ વર્ષા થઈ છે. હવામાન વિભાગે બંને રાજ્યમાં આજે વાદળ ફાટવાની આશંકા વ્યક્ત કરી છે. ઉત્તરાખંડમાં આગામી બે દિવસ સુધી ધોધમાર વરસાદ અને હિમપાતની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થવાની હોવાથી તંત્રએ રેડ એલર્ટ જારી કરી દીધું છે. ઉત્તરાખંડના હવામાન વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર બિક્રમસિંહે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અને હિમાચલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે આગામી ત્રણ દિવસ સુધી હવામાન ખૂબ સંવેદનશીલ રહેશે. આ કારણે જ અમે સરકારને રેડ એલર્ટ જારી કરવાની ભલામણ કરી હતી.
મધ્યપ્રદેશમાં કેટલાંક સ્થળોએ કરા પડ્યા હતા, જ્યારે રાજસ્થાનમાં સખત ઠંડા પવનો વહેવાથી લોકો પરેશાન થઈ ગયા છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરના ૨૦, સતનાનાં ચાર ગામમાં કરા પડવાથી અને ગુના, ભીંડ અને ભોપાલમાં ધોધમાર વરસાદ પડવાથી ઠંડક ફેલાઈ ગઈ છે.
હવામાન વિજ્ઞાની પી.એન. બિરવાના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફથી વહેતી ભેજવાળી હવાઓ વધુ પ્રભાવશાળી અને ખતરનાક બનાવે છે. રાજસ્થાનની આસપાસ હવાનો ચક્રવાતી ઘેરો બની ગયો છે. તેનાથી હવામાનમાં ઓચિંતા ફેરફારો આવી શકે છે.
હવામાન વિભાગ અને વેબસાઈટ સ્કાયમેટની આગાહી છે કે, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વાદળો ફાટવાથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારો, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ અને ઉત્તરીય રાજસ્થાનમાં આજે ગુરુવારે અને આવતી કાલે શુક્રવારે મધ્યમથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. કેટલાંક સ્થળોએ કરાં પણ પડશે. આઠ અને નવ ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતનાં કેટલાંક રાજ્યોમાં શીતલહરના પ્રભાવથી કાતિલ ઠંડી ફરી વળશે.