શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં 14 એપ્રિલની રાત્રે એક ગંભીર અકસ્માત થયો હતો. હોસ્ટેલના બ્લોક-બીમાં આવેલ એક રૂમની છતનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો, જેને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને NSUIએ હોસ્ટેલની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે.
હોસ્ટેલના બ્લોક-બીમાં આવેલા રૂમ નંબર 204માં આ ઘટના બની હતી. આ રૂમમાં બે બેડ હતા અને વિદ્યાર્થીઓ ત્યાં બેઠા હતા ત્યારે અચાનક છતનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીના પીઠ પર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
‘બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં’
NSUIના સોશિયલ મીડિયા ચેરમેન કાતરીયા આશિષે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો એક ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને લઈને તેમણે કોલેજ પ્રશાસન અને સરકાર પર આક્ષેપ કર્યો કે હોસ્ટેલની બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટના રાત્રે લગભગ 9થી 10 વાગ્યાની વચ્ચે બની હતી. તેમને એક વિદ્યાર્થીનો ફોન આવ્યો હતો, જેમાં ઘટના અંગે જાણકારી આપી અને સ્થળ પર તપાસ કરવા બોલાવવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે બિલ્ડિંગની હાલત અત્યંત ખરાબ છે અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
‘NSUIની કોલેજ ઘેરાવ કરવાની ચેતવણી’
કાતરીયા આશિષે વધુમાં કહ્યું કે બિલ્ડિંગના રિનોવેશન માટે પ્રિન્સિપાલ અથવા રેક્ટરે યોગ્ય રીતે રજૂઆત કરી છે કે નહીં, તે મુદ્દે સ્પષ્ટતા કરવી જરૂરી છે. અગાઉ પણ અહીં વિદ્યાર્થીઓના આપઘાત, હુમલા અથવા અન્ય વિવાદોની ઘટનાઓ વખતે પ્રશાસન માત્ર બહાના જ આપતું આવ્યું છે. તેમણે જણાવ્યું કે જો તે સમયે વિદ્યાર્થી સૂતો હોત અને સ્લેબ તેના માથા પર પડ્યો હોત, તો ગંભીર જાનહાનિ થઈ શકી હોત. હાલ ઇજાગ્રસ્ત વિદ્યાર્થી સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો આગામી સમયમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો NSUI દ્વારા LD એન્જિનિયરિંગ કોલેજનો ઘેરાવ અને તાળાબંધીનો કાર્યક્રમ યોજવાની ચેતવણી આપવામાં આવી છે.
Ahmedabad શહેરમાં ફરી એકવાર ડ્રગ્સના ગેરકાયદેસર ધંધા સામે Ahmedabad Crime Branchએ મોટી કાર્યવાહી હાથ ધરી – http://ડભોઈમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા: કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ ખેંચાવવા મુદ્દે ધારાસભ્ય શૈલેષ સોટા સાથે ઝપાઝપી
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ડભોઈમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા: કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ ખેંચાવવા મુદ્દે ધારાસભ્ય શૈલેષ સોટા સાથે ઝપાઝપી
