ગુજરાત

રેલવેમાં મુસાફરી કરતા યાત્રીઓને કરવો પડશે મુશ્કેલીનો સામનો, દુરન્તો સહિતની છ ટ્રેન રદ કરાઈ

આવતી કાલ ર ફેબ્રુઆરી-શનિવારે પશ્ચિમ રેલવેના લોઅર પરેલ સ્ટેશન પર ૧૧ કલાકના મેગા જમ્બો બ્લોકના કારણે સૌરાષ્ટ્ર અને અમદાવાદને મુંબઈ સાથે જોડતી અનેક ટ્રેનને અસર પહોંચશે.પરેલ સ્ટેશન પર ર ફેબ્રુઆરીએ રાતના ૧૦ કલાકથી બીજા દિવસે સવારના ૯ કલાક સુધી ૧૧ કલાકનો જમ્બો બ્લોક સ્ટેશનની કામગીરી માટે લેવાયો છે, જેના કારણે આવતી કાલે રાજકોટથી ઉપડતી અને આવતી બંને રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ દુરંતો રદ કરવામાં આવી છે. અમદાવાદથી મુંબઈ આવતી અને જતી તમામ ટ્રેન આવતી કાલે બેથી ત્રણ કલાક મોડી થશે.

મેગા બ્લોકના કારણે ઇન્દોર-મુંબઈ દુરંતો, મુંબઈ-વલસાડ પેસેન્જર, ગુજરાત ક્વીન સહિતની ટ્રેન પણ રદ કરવામાં આવતાં યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે, સાથે કાલે ઓખાથી ઉપડતી ટ્રેન નં. રર૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલને બોરિવલી સ્ટેશન પર રોકી દેવાશે. આથી આ ટ્રેન બોરિવલી-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રદ રહેશે. ઉપરાંત ૩ ફેબ્રુઆરીએ મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેન નં. ૧૯૦૧પ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી તેના નિર્ધારિત સમય કરતાં મોડી ઉપડશે.

ઉત્તર-પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં પાલનપુર-આબુરોડનાં માવલ-જેટી સ્ટેશન વચ્ચે ડબલિંગ કામગીરી ચાલી રહી હોવાના કારણે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનના રૂટ ડાઇવર્ટ કરાયા છે, જેમાં ૧ ફેબ્રુઆરીની ઓખાથી ઉપડતી ટ્રેન નં. ૧૯પ૬પ ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, દિલ્હી સરાઈ રોહિલ્લાના બદલે વાયા અમદાવાદ, વડોદરા, રતલામ, ભરતપુર થઇને જશે, જ્યારે ૧ ફેબ્રુઆરીએ ટ્રેન નં. ૧૯પ૮૦ દિલ્હી સરાઇ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ વાયા અજમેર, ગોધરા, આણંદ, અમદાવાદ થઇને જશે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button