Site icon Time News

પાટણમાં દિનદહાડે સનસનાટીભરી ઘટના: રોટલીયા હનુમાન વિસ્તારમાં 5થી 6 રાઉન્ડ ફાયરિંગથી વેપારીઓમાં ભયનો માહોલ

પાટણ શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા રોટલીયા હનુમાન મંદિર અને શ્રેય મોલ નજીક વહેલી સવારે અજાણ્યા બુકાનીધારી શખ્સો દ્વારા ખુલ્લેઆમ 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે ધોળા દિવસે થયેલા હુમલાને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, પાટણના રોટલીયા હનુમાન વિસ્તારમાં આવેલા ખાનગી કોમ્પ્લેક્સ અને શ્રેય મોલ પાસે બાઈક પર સવાર થઈને આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ આ હુમલો કર્યો હતો. આ હુમલામાં વામેયા ગામના દલપુજી નામના વ્યક્તિને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી, જેમાં બાઈક સવાર બે બુકાનીધારી શખ્સો ફાયરિંગ કરતા નજરે પડે છે. પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળેથી ફૂટેલા કારતુસ પણ મળી આવ્યા છે, જે હુમલો કેટલો ગંભીર હશે તેનો આભાસ કરાવે છે.

ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસ વડા (SP) સહિત એલ.સી.બી. (LCB), એસ.ઓ.જી. (SOG) અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ વડા અને તપાસકર્તા અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને બારીકાઈથી તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની સાથે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર થઈ ગયેલા હુમલાખોરોની ઓળખ કરવાનું અને તેમને ઝડપી પાડવાનું કામ શરૂ કરી દીધું છે.

ફાયરિંગની ઘટના કયા કારણોસર બની અને કોની અદાવતમાં કરવામાં આવી છે તેને લઈને પોલીસ સવાલોના જવાબ શોધવામાં લાગી છે. પ્રાથમિક માહિતી અનુસાર પાટણમાં બનેલી ઘટનામાં જૂની દુશ્મની કે અંગત અદાવત હોઈ શકે છે, પરંતુ પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે. આ બુકાનીધારી હુમલાખોરો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Exit mobile version