ગુજરાત

મોડી રાતે સનાથલ પાસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર બુટલેગર દારૂની હેરફેર કરતા રહે છે. જ્યારે ગત મોડી રાત્રે સનાથલ હાઇવે પર પીસીબીની ટીમે હરિયાણાથી ટ્રકમાં આવતા ૧૬.૩૯ લાખ રૂપિયાના દારૂના જંગી જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી છે. પીસીબીની ટીમે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે.

આ મામલે પીસીબીને બાતમી મળી હતી કે હરિયાણાથી એક ટ્રકમાં દારૂનો જંગી જથ્થો અમદાવાદ એસ.પી.રિંગરોડથી સનાથલ હાઇવે થઇને રાજકોટ જવાનો છે. બાતમીના આધારે પીસીબીની અલગ અલગ ટીમ બનાવીને એસ.પી.રિંગરોડ તેમજ સનાથલ ચોકડી પર વોચમાં હતા ત્યારે હરિયાણા પાસિંગની એક ટ્રકને રોકી હતી. પીસીબીની ટીમને ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂને લઇને આવતા હરિયાણાના ઇમરાનખાન મેઉ તેમજ મુબારિક મેઉની પીસીબીની ટીમે ધરપકડ કરી હતી. પીસીબીની ટીમે ટ્રકમાંથી ૧૬.૩૯ લાખ રૂપિયાનો ૫૦૦૨ દારૂની બોટલ કબજે કરી છે ત્યારે દસ લાખ રૂપિયાની ટ્રક કબજે કરીને સરખેજ પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર, ક્લીનર તેમજ ઠેકેદાર અને બુટલેગર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

આ અંગે પીસીબીની પૂછપરછમાં ડ્રાઇવર ઇમરાનખાને જણાવ્યું હતું કે દારૂ રાજકોટના બુટલેગરને પહોચાડવાનું હરિયાણાના ઠેકેદારે કહ્યું હતું. પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ બન્ને લોકોની પૂછપરછ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પીસીબીના પીએસઆઇ જણાવ્યું છે કે દારૂ ભરેલી ટ્રક હરિયાણાથી રાજસ્થાનના ઉદયપુર ખાતે આવી હતી ત્યાંથી આ ટ્રક રતનપુર બોર્ડર ક્રોસ કરીને શામળાજીથી અમદાવાદ આવી હતી. પીસીબીને બાતમી મળી હતી કે દારૂ ભરેલી ટ્રક રતનપુર બોર્ડરથી આવવાની છે. જેથી તેઓ મોડી રાત્રે વોચમાં હતા. સનાથલ ચોકડી પાસે ટ્રક આવતાં પીસીબીએ તેનો પર્દાફાશ કર્યો છે. ડ્રાઇવર અને ક્લીનર પાસેથી રાજકોટની બિલ્ટી મળી છે જેથી આ દારૂનો જથ્થો રાજકોટમાં ઊતરવાનો હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button