સલમાન અલી બન્યો ‘ઇન્ડિયન આઇડલ- 10’નો વિજેતા
હરિયાણાના મેવાતમાં રહેતા સલમાન અલીએ રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ-10’નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. સલમાન શરૂઆતથી જ શોનો ફેવરિટ સ્પર્ધક હતો અને શો દરમિયાન થયેલા લાઇવ વોટિંગના આધારે તેને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં બીજા સ્થાને હિમાચલ પ્રદેશના અંકુશ ભારદ્વાજ તેમજ ત્રીજા સ્થાન પર નીલાંજના રે રહી હતી. આ જીત સાથે સલમાનને ટ્રોફી સિવાય 25 લાખ રૂપિયા અને એક કાર આપવામાં આવી હતી.
‘ઇન્ડિયન આઇડલ -10’ના ફિનાલેમાં ‘ઝીરો’ની ટીમ જોવા મળી હતી અને શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા તેમજ કેટરિના કૈફની જોડીએ લોકોનું ભરપુર મનોરંજન કર્યું હતું. આ સિવાય શોના ફિનાલેમાં મહાન સંગીતકાર જોડી લક્ષ્મીકાંત પ્યારેલાલના પ્યારેલાલ શર્મા, બપ્પી લાહિરી તેમજ શિલ્પા શેટ્ટી સહિત અનેક દિગ્ગજ કલાકારો હાજર હતા. આ વર્ષે જુલાઈમાં શરૂ થયેલા શોના ફાઇનલ રાઉન્ડમાં સલમાન અલી, નીલાંજના રે, નિતિન કુમાર, વિભોર પરાશર તેમજ અંકુશ ભારદ્વાજ પહોંચ્યા હતા. આ શોના જજની જવાબદારી અનુ મલિક, નેહા કક્કડ તેમજ વિશાલ દદલાની પર હતી. જોકે અનુ મલિક પર જાતીય શોષણનો આરોપ લાગતા તેની જગ્યાએ જજની જવાબદારી જાવેદ અલીએ સંભાળી હતી.
આ શોનો વિજેતા સલમાન અલી મેવાતમાં મલંગના નામે ઓળખાય છે અને તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. સલમાનની જીતના પગલે આખો પરિવાર ભાવુક થઈ ગયો હતો અને તેમની આંખમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા હતા. સલમાનનો પરિવાર મિરાસી સમાજનો છે જે ગાવાનું કામ કરે છે. સલમાનમાં બાળપણથી જ પ્રતિભા હતી અને તે બહુ નાની વયથી જાગરણોમાં ગાવા લાગ્યો હતો. સલમાનની આ સફળતા પછી પિતા કાસિમ અલીએ કહ્યું છે કે તેમને દીકરાની પ્રતિભા પર ગર્વ છે.