સુપ્રીમ કોર્ટે સહારા પ્રમુખ સુબ્રતો રૉયને 28 ફેબ્રુઆરીએ હાજર થવા આપ્યો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપના પ્રમુખ સુબ્રતો રોયને 28 ફેબ્રુઆરી સુધીમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. કોર્ટે સેબી સહારા મામલામાં રોકાણકારોના પૈસા પરત કરવા માટે 25,700 કરોડ રૂપિયા જમા ન કરવા બદલ ગુરૂવારે આ આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે અમે સહારાને પૈસા પરત કરવા માટે છ મહીનાનો સમય આપ્યો હતો. કંપનીએ આ ગાળામાં બધા રૂપિયા પરત મોકલાવ્યા નથી. જેના કારણે કોર્ટનો ભરોસો ઘટ્યો છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ એસ કે કોલની ખંડપીઠે કહ્યું કે અમે ગત આદેશમાં ગ્રુપને રૂપિયાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો. ગ્રુપે અત્યાર સુધીમાં માત્ર 1 હજાર કરોડ રૂપિયા જ જમા કરાવ્યા છે. ખંડપીઠે કહ્યું કે હવે અમે આ મામલામાં આગળ વધીશું. કાયદો તેનું કામ કરશે. સુબ્રતો રોય અને બીજા ડાયરેક્ટરો પોતે નક્કી કરવામાં આવેલી તારીખે કોર્ટમાં ઉપસ્થિત રહે.
સુબ્રતો રોય 4 માર્ચ 2014એ જેલમાં ગયા હતા. બાદમાં 6 મે 2016ના રોજ તેમની માતાનું મૃત્યુ થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે તેમને પેરોલ આપવામાં આવી હતી. પછીથી આ પેરોલ વધતી રહી.