સાબરમતી જેલ ફરી એક વખત વિવાદમાં, કેદી પાસેથી મળી આવ્યા મોબાઇલ અને સિમકાર્ડ
અમદાવાદની સાબરમતી જેલ ફરી એક વખત વિવાદોમાં સપડાઈ છે. જેલમાંથી મોબાઈલ મળી આવવાનો સિલસિલો આજે પણ યથાવત્ છે. સાબરમતીમાં આવેલી નવી જેલની બેરેક પાસે તપાસ દરમિયાન એક કેદી પર શંકા જતાં કરતાં તેની પાસેથી મોબાઈલ ફોન અને સિમકાર્ડ મળી આવ્યાં છે. કેદી વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
સાબરમતી નવી જેલની બેરેક નંબર-૮ પાસેથી વધુ એક મોબાઈલ મળી આવતાં જેલતંત્ર સામે સવાલો ઊઠ્યા છે. જેલની જેલર સ્ક્વોડ દ્વારા તપાસ ચાલી રહી હતી તે દરમિયાન અનિલ નામના આરોપી પર શંકા જતાં તેની તપાસ કરતાં એક મોબાઈલ ફોન અને સિમકાર્ડ મળી આવ્યાં હતાં. બાદમાં અનિલ વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં વધુ એક નોંધાયો છે, જોકે આરોપી અનિલે કોને-કોને ફોન કર્યા તે દિશામાં હાલ ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સાબરમતી જેલમાંથી મોબાઇલ અને સિમકાર્ડ મળી આવ્યાં હોવાની ઘટનાઓ અનેકવાર સામે આવી છે ત્યારે ફરી વાર જેલમાંથી મોબાઇલ ફોન અને સિમકાર્ડ મળી આવતાં જેલના તંત્ર સામે કેટલાક સવાલો ઊભા થાય છે કે આખરે જેલમાં પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઇલ અને સિમકાર્ડ કોણે ઘુસાડ્યાં, જોકે હવે આ મામલે રાણીપ પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.