રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે રદ, પોલીસની દરખાસ્ત બાદ RTOની મોટી કાર્યવાહી
અમદાવાદના બોપલ આંબલી રોડ પર બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત કરનારા રિપલ પંચાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ RTO વિભાગે આરોપી રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જેથી રિપલ પંચાલ હવે જીવનમાં ક્યારેય વાહન ચલાવી શકશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર જો આરોપી વાહન ચલાવતા પકડાશે, તો તેનું વાહન ડિટેઈન કરવા સાથે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. જેની RTO અધિકારીએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશનમાંથી રિપલ પંચાલનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મળી હતી. જેના આધારે રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું. સાથે 3 વખત હેલ્મેટ પહેર્યા વિના પકડાયેલા 850 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ બોપલ-આંબલી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં ચાર થી પાંચ રાહદારીઓને કાર ચાલકે અડફેટે લીધા હતા. જે બાદ રોડ ઉપર અનેક વાહનોને પણ નુકશાન કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ગુસ્સે ભરાતા નબીરાને મેથીપાક ચખાડ્યો હતો.