RTOની બદલીને લઇને કર્મચારીઓમાં ભારે રોષ, હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી
RTO ની બદલી માટે ભાજપના પાંચ ધારાસભ્યે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. બીજી તરફ આરટીઓ એસો.ના પ્રમુખની નિયમ વિરુદ્ધ બદલીથી કર્મચારીઓએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે.
RTO અને એઆરટીઓની બદલી થાય તે માટે ભાજપના પાંચ ધારાસભ્યે મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી છે. આમ છતાં હજી સુધી કોઇ પગલાં ભરાયાં નથી. બીજી તરફ આરટીઓ પણ વ્હાલાદવલાની નીતિ અપનાવી કમિશનર કચેરીમાં બદલી થનારા સિનિયર ક્લાર્ક એએફ જાદવને આરટીઓએ હજી સુધી છૂટા કર્યા નથી. બદલી થનારામાં આરટીઓ એસો.ના પ્રમુખ ધીરુ પટેલ આઠ મહિનામાં નિવૃત્ત થશે. નિયમ મુજબ નિવૃત્તિના સમયમાં પોતાના વતનમાં નોકરી કરવાની છૂટછાટ મળે છે. ઉપરાંત એસો.ના પ્રમુખ હોવાથી વારંવાર બદલી કરાતી નથી.
આમ છતાં ગોધરા બદલી કરી દેવાતા કર્મચારીઓમાં રોષ છે. પ્રમુખ ધીરુ પટેલ રાજ્ય કર્મચારી મહામંડળના સલાહકાર હોવાથી અન્ય એસોસિયેશને પણ હડતાળને ટેકો આપ્યો છે.
RTO કમિશનર કચેરીમાં ઓએસડીના આર. ટી. ઝાલાના ત્રાસથી કર્મચારીઓ નિવૃત્તિ લઇ રહ્યા હોવાનો પણ કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં પાંચ કર્મચારીએ વોલેન્ટરી નિવૃત્તિ લઈ લીધી છે. કમિશનર સોનલ મિશ્રાને રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ભરાયા નથી.