RBIની મોટી સિદ્ધિ, ઓક્ટોબરમાં ખરીદ્યું રેકોર્ડ બ્રેક સોનું, વિશ્વમાં બન્યું નંબર 1
સોનામાં વૈશ્વિક સ્તરે તાજેતરના ઉંચા ભાવથી આવેલા ઘટાડામાં વિવિધ ફંડો ઉપરાંત વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની ખરીદી સોનામાં વધતી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે વિવિધ દેશો વચ્ચે યુધ્ધના માહોલમાં સેફ હેવન સ્વરૂપમાં સોના માટે માગ વધી હોવાના નિર્દેશો મળ્યા છે. અમુક દેશો ડોલરનું પ્રભુત્વ ઘટાડવા પણ સોનાની ખરીદી કરતા જોવા મળ્યા છે.
ભારતની રિઝર્વ બેન્કે ઓક્ટોબરમાં૨ 27 ટન સોનું ખરીદ્યું છે તથા આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં રિઝર્વ બેન્ક દ્વારા 77 ટન સોનું ખરીદવામાં આવ્યું છે. 2023 ની સરખામણીએ આ વર્ષે આવી ખરીદી પાંચ ગણી વધુ થઈ છે. વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ ઓક્ટોબરમાં કુલ 60 ટન સોનાની ખરીદી કરતાં આ વર્ષમાં મંથલી આવી ખરીદીમાં નવો રેકોર્ડ સર્જાયો છે.
તૂર્કીના સમાચાર મુજબ ત્યાંની સરકાર હસ્તકની સેન્ટ્રલ બેન્ક દ્વારા ઓક્ટોબરમાં 17 ટન સોનું વિશ્વબજારમાંથી ખરીદવામાં આવ્યું છે. તૂર્કીની સરકાર છેલ્લા 17 મહિનાથી દર મહિને સોનાની ખરીદી સતત કરવામાં આવી છે. ડિસેમ્બર 2023 થી ગણતાં ઓક્ટોબરમાં આવી મંથલી ખરીદી સૌથી મોટી કરાઈ છે. આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં તૂર્કીએ 72 ટન સોનું ખરીદ્યું છે.
બીજા ત્રિમાસિક તથા ત્રીજા ત્રિમાસિક દરમિયાન ખરીદવામાં આવેલા સોના કરતાં એકલા ઓક્ટોબર મહિનામાં સોનાની ખરીદી વધુ થયાના વાવડ મળ્યા હતા. તૂર્કી ઉપરાંત પોલેન્ડની સરકારી નેશનલ બેન્કે ઓક્ટોબરમાં 8 ટન સોનું ખરીદતાં સતત 7 મા મહિને પોલેન્ડની ખરીદી જળવાઈ રહી છે. આ વર્ષે પોલેન્ડની આવી ખરીદી 69 ટન સોનાની ખરીદી નોંધાઈ છે. આવી ખરીદી હજી ચાલુ રહેશે એવા સંકેતો પોલેન્ડની સરકારે આપ્યા છે. કઝાખસ્તાનની સરકારી બેન્કે ઓક્ટોબરમાં પાંચ ટન સોનું ખરીદ્યું છે. કઝાખસ્તાન પાંચ મહિનાથી સોનું વેંચી રહ્યું હતું તે ઓક્ટોબરમાં સોનું ખરીદવા નિકળ્યું હતું. ઘાનાની સરકારી બેન્કે પણ સોનું ખરીદ્યું છે તથા તેનું ગોલ્ડ રિઝર્વ વધી 28 ટન થયું છે.