RBIએ લીધો મોટો નિર્ણય, નવા વર્ષમાં આવશે નવી નોટ
હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કમાન સંભાળનાર ગર્વનર શક્તિકાંત દાસના કાર્યકાળમાં કરન્સીને લઇને મોટો નિર્ણય લેવાઈ શકે છે. રિઝર્વ બેંક ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ લોંચ કરવાની તૈયારીમાં છે. જેમાં નવી નોટમાં અત્યારની નોટથી અલગ ફીચર હશે. એટલે કે નવા વર્ષમાં તમારા હાથમાં 20 રૂપિયાની નવી નોટ હશે. કેન્દ્રીય બેંકના એક ડોક્યુમેંટમાં આ જાણકારી આપવામાં આવી છે. નવી નોટ જાહેર થતાં જૂની નોટ પણ ચલણમાં રહેશે.
તમને જણાવી દઇએ કે 10, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટને પહેલાં જ નવા રંગ રૂપમાં રજૂ કરવામાં આવી છે. નવેમ્બર 2016થી નવા લુકમાં નોટ મહાત્મા ગાંધી (ન્યૂ)સીરીઝ હેઠળ જાહેર કરવામાં આવે છે. આ નોટ પહેલાં જાહેર કરેલી નોટોની તુલનામાં અલગ આકાર અને ડિઝાઇનની છે. આરબીઆઇના ડેટા અનુસાર 31 માર્ચ 2016 સુધી 20 રૂપિયાની નોટોની સંખ્યા 4.92 અરબ હતી. જે માર્ચ 2018 સુધી 10 અરબ થઇ ગઇ. આ ચલણમાં હાલ કુલ નોટોની સંખ્યા 9.8 ટકા છે.
ઉલ્લેખનીય છે કે શક્તિકાંત દાસે તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર તરીકેનું પદ સંભાળ્યું છે. આ પહેલાં ઉર્જિત પટેલ ગવર્નર હતા અને તેમનો કાર્યકાળ પુરો થતાં પહેલાં જ રિઝર્વ બેંકના 24મા ગર્વનર પદેથી રાજીનામું આપીને બધાને આશ્વર્યચકિત કરી દીધા હતા. જોકે તેમણે તેની પાછળ વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો છે.