RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટી (MPC) એ રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવા માટે બહુમતી સાથે નિર્ણય કર્યો છે. ગવર્નરે વધુમાં જણાવ્યું કે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ 6.25 ટકા પર રહેશે અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ અને બેન્ક રેટ 6.75% પર સ્થિર રહેશે. આરબીઆઈએ દેશની આર્થિક સ્થિતિ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય 4:2ની બહુમતીથી લેવામાં આવ્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હજુ પણ 6.50 ટકા પર સ્થિર છે. આ 11મી વખત છે જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિઝર્વ બેન્કે છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો અને તેને 25 બેસિસ પોઈન્ટ વધારીને 6.50 ટકા કર્યો હતો. ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે તેમના કાર્યકાળની છેલ્લી નાણાકીય નીતિની જાહેરાત કરતા કહ્યું કે મોટાભાગના સભ્યોએ નિર્ણય લીધો છે કે રેપો રેટ યથાવત રાખવો જોઈએ. MPCએ નક્કી કર્યું છે કે ફુગાવાને લક્ષ્ય પર લાવવા પર ફોકસ કરવામાં આવશે. તેથી જ રેપો રેટમાં અત્યારે ઘટાડો કરવામાં આવી રહ્યો નથી.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે સેન્ટ્રલ બેન્કે પોલિસી રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો છે. સ્થિર રેપો રેટ વર્તમાન આર્થિક સ્થિતિ પ્રત્યે સાવચેતીભર્યો અભિગમ સૂચવે છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, જૂલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 5.4 ટકાની અપેક્ષા કરતા ઓછો હતો. બીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં મંદીનો સંકેત આપતા સૂચકાંકો સમાપ્ત થઈ ગયા છે. દાસના મતે આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. તેઓએ કહ્યું કે બીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં મંદીનો સંકેત આપતા સૂચકાંકો હવે સમાપ્ત થવાના છે.
MPCની બેઠક બાદ RBI ગવર્નરે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમતો પર સતત દબાણને કારણે ફુગાવો ત્રીજા ક્વાર્ટરમાં ઊંચો રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે રવિ ઉત્પાદનથી રાહત મળશે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25 માટે રિટેલ ફુગાવાનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો છે.