રામલીલા મેદાનમાં કાલથી ભાજપનું બે દિવસીય ‘મહાઅધિવેશન’ યોજાશે
લોકસભા ચૂંટણી પહેલાં દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભાજપનું બે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન મળનાર છે. ૧૧ અને ૧ર જાન્યુઆરીના રોજ આ રાષ્ટ્રીય અધિવેશન કાર્યક્રમમાં ટોચના નેતૃત્વથી લઇને દેશભરના જિલ્લાઓના સામાન્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે. લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ દેશભરના કાર્યકરોને વિજયનો ગુરુમંત્ર આપનાર છે.
ભાજપને આશા છે કે ૧૦,૦૦૦થી વધુ કાર્યકરો આ અધિવેશનમાં હાજર રહેશે. આ કાર્યક્રમ માટે ૧૦૦ ફૂટ પહોળું અને ૪૦ ફૂટ લાંબું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. ૧૦,૦૦૦થી વધુ લોકોને કવર કરવા માટે હાઇટેક વોટરપ્રૂફ ભવ્ય પંડાલ ઊભો કરવામાં આવ્યો છે. ૩,૦૦૦ કાર્યકરોના ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બે દિવસ સુધી રામલીલા મેદાનમાં ઊભા કરવામાં આવેલ કામચલાઉ વડા પ્રધાન કાર્યાલય પરથી કામ કરશે. ભાજપના દિલ્હી સહપ્રભારી તરુણ ચુઘેએ જણાવ્યું હતું કે વડા પ્રધાન અધિવેશનમાં બંને દિવસની બેઠકમાં હાજર રહેશે અને તેથી રામલીલા મેદાન ખાતે કામચલાઉ પીએમનો ઊભું કરવામાં આવ્યું છે, જેમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
એ જ રીતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે પણ કામચલાઉ પક્ષ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં વાઇફાઇ કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ રહેશે એટલું જ નહીં, ભાજપ શાસિત રાજ્યના મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનોની અલગ અલગ બેઠકો યોજાશે.