
રાજકોટના વિમલનગર વિસ્તારમાં કૌટુંબિક કલેહ આખરે હત્યામાં પરિણમ્યો છે. પત્ની સાથેના ઘરકંકાસની અદાવતમાં એક સાસરી પક્ષના યુવકે ઉશ્કેરાઈ જઈને પત્નીના સગા નાનાની નિર્મમ હત્યા કરી નાખી છે, જ્યારે આ હુમલામાં વચ્ચે બચાવવા પડેલા નાની પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૂળ વેરાવળનો રહેવાસી વિવેક ગોસ્વામી નામનો યુવક મોડી રાત્રે વિમલનગરમાં આવેલી તેની પત્નીની સાસરી (મોસાળ)ના ઘરે ધસી આવ્યો હતો. ત્યાં તેણે ઉગ્ર બોલાચાલી કરીને પત્નીના નાના પ્રવિણભાઇ શાહ પર છરી વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે પ્રવિણભાઇનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દરમિયાન પ્રવીણભાઈના પત્ની (પત્નીના નાની) તેમને બચાવવા વચ્ચે પડતાં આરોપીએ તેમના પર પણ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી વિવેક ગોસ્વામી અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભારે અણબનાવ ચાલી રહ્યો હતો, જેના કારણે પત્ની તેનાથી અલગ રહેતી હતી. પત્નીએ વિવેક સાથે પાછા જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ વાતનો ખાર રાખીને આરોપી અવારનવાર પત્ની અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધાક-ધમકીઓ આપતો હતો.
