રાજકોટ- ક્રાઇમ બ્રાન્ચે 500થી વધુ પેટી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી
31 ડિસેમ્બરની ઉજવણીને લઈને લોકો દારૂની વ્યવસ્થા કરવા લાગ્યા છે અને બૂટલેગરો દારૂનો જથ્થો મગાવી રહ્યા છે. બીજીતરફ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના ભગવતીપરા વિસ્તારમાં મંગળવારે મોડીરાત્રે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 500થી વધુ દારૂની પેટી ભરેલો રાજસ્થાન પાર્સિંગનો ટ્રક ઝડપી લીધો હતો. જો કે પોલીસને જોતા પાંચ જેટલા બૂટલેગરો નાસી ગયા હતા. પોલીસે દારૂ અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બાતમીને આધારે પીઆઈ એચ.એમ.ગઢવી, પીએસઆઇ કાનમિયા અને ઉનડકટ સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસવેન જોતા જ બૂટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી. પાંચ જેટલા શખ્સ નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પર પડેલા ટ્રક (ટ્રેલર)ની તલાશી લેતા શરૂઆતમાં તો સૂકાઘાસનો જથ્થો મળ્યો હતો. ઘાસ ભરેલા કોથળા દૂર કરતાં દારૂની 500થી વધુ પેટીનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને ચાવી બનાવતાં સરદારજી યુવકને સ્થળ પર બોલાવ્યો હતો. બાદમાં તેની પાસે ડુપ્લિકેટ ચાવી બનાવી ટ્રક ચાલુ કરાવી દારૂ અને ટ્રક પોલીસ સ્ટેશને લઇ જવાયો હતો. આ અંગે પીઆઇ ગઢવીએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરના દિવસ માટે રાજકોટમાં આવી રહેલા દારૂના જથ્થાને ઝડપી લેવા પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. ઝડપાયેલા ટ્રકમાં 500 કરતા વધુ પેટી દારૂનો જથ્થો હોવાનું અનુમાન છે. જો કે રાત્રીના ગણતરી પૂરી થયા બાદ ચોક્કસ જથ્થો તેમકજ તેની કિંમતનો સાચો ખ્યાલ મેળવી શકાશે. હાલ આ દારૂ ક્યાંથી આવ્યો છે? કોને આપવાનો હતો સહિતના મુદ્દે જાણકારી મેળવવા નાસી છૂટેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે.