વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત આવશે ગુજરાત, રાજકોટની લેશે મુલાકાત
પીએમ મોદીના ગુજરાતના પ્રવાસને લઇને કાર્યક્રમ ઘડાઇ ગયો છે. 2જી ઓક્ટોબરે PM નરેન્દ્ગ મોદી રાજકોટના મહેમાન બનવા જઇ રહ્યા છે. તેના પાછળનું કારણ પણ હવે સ્પષ્ટ થઇ ચૂક્યું છે. રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ માટે પીએમ મોદી ગુજરાત આવવાના છે. આ સિવાય પીએમ મોદી કબા ગાંધીના ડેલાની પણ મુલાકાત લેશે. પરંતુ ત્યાં પીએમ મોદી જાહેર સભાને સંબોધન કરશે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.
હાલ પીએમ મોદી HOWDY Modiનાં કાર્યક્રમ અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) યુએસનાં હ્યૂસ્ટન શહેરમાં છે. ગુજરાતમાં 150મી ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા તેઓ ગુજરાત આવવાના છે.
રાજકોટ પાસે આવેલા પરાપીપડીયા અને ખંઢેરી ગામ પાછળ આવેલી 120 એકર જમીન ઉપર એઇમ્સ હોસ્પિટલ બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ જમીન વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે થોડા સમય પહેલા સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટને એઇમ્સની મંજૂરી કેન્દ્ર સરકારે 31મી ડિસેમ્બરે આપી છે. એઇમ્સ માટે રાજકોટમાં આવેલા ખંઢેરી ગામ પાસે રાજ્ય સરકારે જમીન ફાળવવા તૈયારી બતાવી હતી.