પીએમ મોદીની બાયોપિકનું પ્રથમ પોસ્ટર લોન્ચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પીએમ નરેન્દ્ર મોદી બનેલા વિવેક ઓબેરૉયનો પહેલો લૂક સામે આવ્યો છે. ફિલ્મને ઓમંગ કુમાર નિર્દેશિત કરી રહ્યા છે. ફિલ્મનું પ્રોડક્શન સંદીપ સિંહ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીનાં લૂકમાં વિવેક ઑબેરૉય જામી રહ્યો છે. ફિલ્મનાં પૉસ્ટરને 23 અલગ અલગ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટાઇટલ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ મિડ-જાન્યુઆરીથી શરૂ થશે અને સંભવ છે કે ફિલ્મ ચૂંટણી પહેલા રીલીઝ કરી દેવામાં આવશે. વિવેક ઓબેરૉયે પ્રધાનમંત્રી મોદીનાં લૂક માટે પહેલેથી જ લૂક અને બૉડીશેપ પર મહેનત કરવાનું શરૂ કરી દીધું હતુ.
આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે. ફિલ્મનાં નિર્દેશક ઓમંગ કુમાર આ પહેલા ‘સરબજીત’ અને ‘મૈરી કૉમ’ જેવી બાયૉપિક ફિલ્મો બનાવી ચુક્યા છે. ઓમંગ કુમાર સામે વિવેક ઓબેરૉયને પીએમ મોદીનો લૂક આપવાનો મોટો પડકાર છે. જો કે તેનો નિર્ણય તમે ફિલ્મનું આ પૉસ્ટર જોયા બાદ કરી લેશો.
આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીનાં લગ્ન, સંઘ પ્રચારક બનવાથી લઇને દેશનાં પ્રધાનમંત્રી બનવા સુધીની વાત મનોરંજક રીતે દર્શાવવામાં આવશે. ફિલ્મનું બજેટ લગભગ 200 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મનમોહન સિંહની બાયૉપિક પણ 11 જાન્યુઆરીનાં રોજ રીલીઝ થશે. આ ફિલ્મનો પહેલાથી જ ઘણો વિરોધ થયો છે. હવે પીએમ મોદીની ફિલ્મ સાથે પણ આવું કંઇ થાય છે કે કેમ તે તો આવનારા સમયમાં ખબર પડશે.