સરકારની લોલીપોપની સામે પ્રાથમિક શિક્ષકોનું ઉગ્ર આંદોલન
શિક્ષકોનું આંદોલન ઉગ્ર બનતુ જાય છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે હજારો શિક્ષકો વિરોઘ કરવા પહોંચ્યા હતા. આજે ગાંધીનગરના રાજમાર્ગો પર શિક્ષકો મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ કર્યો હતો. બે હજારથી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. છતાં વિધાનસભાની સામે અને પાટનગરના રાજમાર્ગો પર શિક્ષકોના ટોળેટોળા નજરે પડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, STના કર્મચારીઓની હડતાલ પણ ચાલુ છે. બસ સેવા બંધ છે. છતાં આટલી મોટી સંખ્યામાં રાજ્યભરના શિક્ષકો પોતાનો વિરોધ દર્શાવા અને પડતર માંગણી પૂરી કરવા માટે ગાંધીનગર સુધી પહોંચ્યા છે. શિક્ષકોને ન શોભે એવા કામ પણ સરકાર શિક્ષકોને સોંપી રહી છે. અને શિક્ષકો પાસે પટ્ટાવાળી કરાવે છે. છતા પણ શિક્ષકોને જે મળવાપાત્ર હકો છે તેનાથી તેમણે શા માટે વંચીત રાખવામાં આવ્યા છે. ગુજરાત સરકાર ST કર્મચારીઓની હડતાલ અને શિક્ષકોના વિરોધને લઈને ભીંસમા છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષકોને કહ્યું, ‘તમે ઈચ્છો ત્યારે ઉકેલ ન આવે, ધીરજ રાખો…’ જ્યારે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં એસ ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલ ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નો ની ચર્ચા વિચારણા માટે 3 મંત્રીઓ ની કમિટી ની રચના કરી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, કૃષિ મંત્રી આર સી ફળદુ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આ કમિટિ માટે નિમણૂક કરવામા આવી છે જે આંદોલનકારી કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે અને પ્રજાવર્ગોને આ આંદોલનને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વાટાઘાટ ના ટેબલ પર બેસી સાથે મળી ચર્ચા વિચારણા કરી સમસ્યા નું યોગ્ય નિરાકરણ લાવશે.
મુખ્યમંત્રીએ કર્મચારી મંડળોને પણ અનુરોધ કર્યો છે કે સરકારે ભૂતકાળમાં અને હાલ પણ વાતચીત વાટાઘાટોથી સમસ્યાઓ નિવારવાની ભૂમિકા નિભાવી જ છે ત્યારે આંદોલકારી કર્મચારીઓ આ કમિટી સાથે સકારાત્મકતાથી વાટાઘાટો માટે આગળ આવે આંદોલનકારી કર્મચારીઓ પણ પ્રજાને તેમના આંદોલનથી પડી રહેલી મુશ્કેલી દૂર થાય અને સમાજનું વ્યાપક હિત જળવાય તે હેતુસર આંદોલન પાછું ખેંચે અને પ્રજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ વિજય ભાઈ રૂપાણી એ કરી છે.