કંઈ તો મોટું રમાઈ રહ્યું છે! ભાજપના પ્રદેશ મહામંત્રીપદેથી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું, 7 દિવસ પહેલાં રાજીનામું આપ્યાના અહેવાલો આવ્યા સામે
ગુજરાત ભાજપના મોટા નેતાએ રાજીનામું ધરી દેતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતાં ભાજપમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ત્યારે પ્રદીપસિંહે 7 દિવસ પહેલાં રાજીનામું આપ્યાનું BJPના રાષ્ટ્રીય સંગઠન નેતાએ સ્વીકાર્યું છે. પ્રદીપસિંહ દક્ષિણ ઝોનના સંગઠન મહામંત્રી હતા. તેઓ કમલમ કાર્યાલયનો કારભાર સંભાળતા હતા.
પ્રદીપસિંહના રાજીનામાની છેલ્લા ચાર-પાંચ દિવસથી જોરશોરથી ચર્ચા રાજકીય ક્ષેત્રે ચાલી રહી હતી. છેવટે સમર્થન મળતાં રાજીનામું ધરી દીધું છે. પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી સાત દિવસ પહેલાં જ રાજીનામું આપી દીધાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાર્ગવ ભટ્ટ બાદ વધુ એક અસરકારક નેતાનો ભોગ લેવાયો હોવાની ચર્ચા નેતાઓમાં ચાલી રહી છે. ગુજરાત ભાજપમાં ચાલી રહેલી ખેંચતાણ પાછળ કોણ જવાબદાર? આ સવાલનો જવાબ બધા જાણે છે, પણ કોઈ બોલવા તૈયાર નથી, એવી પણ ચર્ચાએ જોર પકડતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
તાજેતરમાં જ PM મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન પ્રદીપસિંહ વાઘેલાએ તેમની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ રાજીનામું આપ્યાની ચર્ચા ઊઠી છે.
હજુ ચાર મહિના પહેલાં જ મધ્ય ગુજરાત વિસ્તાર ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટને તેમના પદ પરથી હટાવી દેવાયા હતા. વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પરના પથ્થરમારાની ઘટનાથી સરકાર અને ભાજપની બદનામી થઈ હતી. તોફાનોમાં તંત્રની કામગીરીમાં ચંચુપાત અને તોફાનીઓને કહેવાતા પીઠબળની નોંધ પ્રદેશ અને કેન્દ્રમાં પહોંચતાં નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું. તોફાનોને લઇને કેન્દ્રીય નેતાગીરીએ પ્રદેશમાંથી વિગતો માગી હતી, જેમાં શહેર ભાજપના મોટાં માથાંને ઠપકો મળ્યો હતો. પોલીસ કાર્યવાહીની વિગતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રીએ મેળવી હતી.
ભાજપના સૂત્રો મુજબ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના કાર્યક્રમમાં લોકસભા ચૂંટણી પહેલાની બાબતોને લઇ ભાર્ગવ ભટ્ટની વાતોથી મુખ્યમંત્રી અને પાટીલ નારાજ થયા હતા. ભાર્ગવ ભટ્ટે વિધાનસભાની ચૂંટણીમાં શહેર અને મધ્ય ગુજરાતના ચોક્કસ લોકોને ટિકિટો માટે પાર્ટી સમક્ષ દુરાગ્રહ સેવ્યો હતો. પોતાને ટિકિટ ન મળતાં ચૂંટણી સમયે પણ કેટલીક નકારાત્મક ભૂમિકા ભજવી હતી. સંગઠનના લોકો મુજબ ભાર્ગવ ભટ્ટ મહામંત્રી હોવા છતાં ઘણી બાબતોમાં નિષ્ક્રિય હતા. અન્ય યુવાન મહામંત્રીઓની સરખામણીએ તેમની કામગીરી પાટીલને પણ નબળી લાગતી હતી. આખરે ભટ્ટને બહાર કરી દેવાયા હતા.