ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. ભારતમાં બીજી વખત સત્તા ઉપર આવ્યા બાદ આ પહેલો અવસર છે જ્યારે મોદી અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધિત કરવના છે. આ ઉપરાંત આ પહેલો અવસર છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ આટલી મોટી સંખ્યામાં ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. આ ત્રીજો અવસર હશે જ્યારે બે સૌથી મોટા લોકશાહી દેશોના વડા સંયુક્ત રીતે રેલીને સંબોધિત કરશે.
રવિવારે રાત્રે અમેરિકાના હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડિયમમાં હાઉડી મોદી કાર્યક્રમનું સૂત્ર છે શેયર્ડ ડ્રિમ્સ, બ્રાઈટ ફ્યૂચર. આ કાર્યક્રમમાં 50,000 કરતા વધારે ભારતીય સમુદાયના લોકો ભાગ લેવાના છે. આ કાર્યક્રમ મોટાભાગે ભારતીયો માટે જ છે તેમ છતાં તેમાં અન્ય સમુદાયના લોકો પણ હાજરી આપી શકે છે. આયોજકોએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં વહેલા તે પહેલાના ધોરણે પાસ જારી કરવામાં આવ્યા હતા. તે માટે લોકોએ રજિસ્ટ્રેશન કરાવવાનું હતું.
કાર્યક્રમની જાહેરાત થયાના ત્રણ અઠવાડિયામાં જ તો 50,000થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવીને પાસ લઈ લીધા હતા. આ કાર્યક્રમમાં ટિકિટ નથી, એન્ટ્રી ફ્રી છે પણ પાસ ધરાવનારને જ પ્રવેશ આપવામાં આવશે.