Site icon Time News

ગુજરાતમાં પ્રદૂષણ સંબંધિત આરોગ્ય વીમા દાવા 3 વર્ષમાં 3.7 ગણા વધ્યા, ₹7.26 કરોડનું વળતર ચૂકવાયું

વાયુ પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણ કે સરકારી નીતિઓ પૂરતો મર્યાદિત પ્રશ્ન રહ્યો નથી, પરંતુ તે લોકોના સ્વાસ્થ્યની સાથે આર્થિક બોજ પણ વધારી રહ્યો છે. શ્વસનતંત્રની બીમારીઓથી પીડાતા લોકો પૂરતી આ સમસ્યા સીમિત રહી નથી. પોલિસી બજારના એક અહેવાલ મુજબ ગુજરાતનાં છ શહેરમાં પ્રદૂષણ સંબંધિત બીમારીઓના આરોગ્ય વીમા દાવામાં છેલ્લા ત્રણ વર્ષમાં 3.7 ગણો વધારો નોંધાયો છે.

આ યાદીમાં અમદાવાદ સૌથી મોખરે છે. શહેરમાં આવા વીમા દાવાની સંખ્યા 561 નોંધાઈ છે. ત્યાર બાદ વડોદરામાં 375 અને સુરતમાં 367 દાવા નોંધાયા છે. ગુજરાતમાં પ્રદૂષણ સંબંધિત બીમારીઓના વીમા દાવાની કુલ સંખ્યા નાણાકીય વર્ષ 2022-23માં 408 હતી, જે વધીને નાણાકીય વર્ષ 2025-26માં 1505થઈ છે.

દાવામાં સૌથી મોટો ઉછાળો વલસાડમાં નોંધાયો છે. અહીં દાવાની સંખ્યા છથી વધીને ૬૨ થઈ છે, એટલે કે દસ ગણાથી વધુ વધારો થયો છે.આ અભ્યાસ ગુજરાતમાં 4000 અને સમગ્ર ભારતમાં 94000 વીમા દાવાના નમૂનાના આધારે કરવામાં આવ્યો હતો. અભ્યાસ મુજબ, કુલ દાવામાં 38 ટકા શ્વસનતંત્રના ચેપ સંબંધિત બીમારીઓના છે, જ્યારે 32 ટકા દાવા હૃદયરોગ અને રક્તવાહિની સંબંધિત બીમારીઓના છે. ન્યૂમોનિયાના 17 ટકા અને બ્રોન્કાઈટિસના 11 ટકા દાવા નોંધાયા છે. આમ, શ્વસનતંત્ર અને હૃદયરોગ સંબંધિત બીમારીઓ મળીને દર દસમાંથી સાત વીમા દાવા માટે જવાબદાર છે.

પોલિસી બજારમાં હેલ્થ ઈન્સ્યોરન્સ વિભાગના વડા સિદ્ધાર્થ સિંઘલના જણાવ્યા અનુસાર પ્રદૂષણ સંબંધિત વીમા દાવામાં સ્પષ્ટ મોસમી પેટર્ન જોવા મળે છે. આવા ૫૫થી 60 ટકા દાવા ઓક્ટોબરથી માર્ચ દરમિયાન નોંધાય છે. આ સમયગાળો એવો છે, જ્યારે હવાની ગુણવત્તા સતત કથળતી જાય છે.

જોકે, આ દાવાઓની સારવાર પાછળનો સરેરાશ ખર્ચ એ જ પ્રમાણમાં વધ્યો નથી. તેના બદલે વીમા દાવાની સંખ્યામાં થયેલો મોટો વધારો પ્રદૂષણ સંબંધિત વીમા ખર્ચમાં એકંદર વૃદ્ધિનું મુખ્ય કારણ બન્યો છે.

અભ્યાસમાં સામે આવ્યું છે કે પ્રદૂષણ સંબંધિત બીમારીઓનો સૌથી વધુ બોજ કામકાજની વયજૂથના લોકો પર પડી રહ્યો છે. 31 થી 55 વર્ષની વયના લોકો કુલ વીમા દાવામાં 67 ટકા હિસ્સો ધરાવે છે. 55 વર્ષથી વધુ વયના લોકોનો હિસ્સો 23 ટકા છે. જ્યારે 21 થી 30 વર્ષની વયજૂથના લોકોના આઠ ટકા અને 20 વર્ષથી ઓછી વયના લોકોના ત્રણ ટકા દાવા નોંધાયા છે.

એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)ની વેબસાઈટ અનુસાર મંગળવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ અમદાવાદનો હવા ગુણવત્તા સૂચકાંક ૨૧૫ નોંધાયો હતો.શહેરમાં ફેફસાંના રોગોના નિષ્ણાત તબીબો પણ પ્રદૂષણની વધતી અસરની પુષ્ટિ કરી રહ્યા છે. હવાની ગુણવત્તા બગડતાં શ્વસન સંબંધિત ફરિયાદો સાથે આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અગાઉથી બીમારી ધરાવતા દર્દીઓની સ્થિતિ પણ વધુ ગંભીર બની રહી છે.

ફેફસાંના રોગોના નિષ્ણાત ડૉ. તુષાર પટેલે જણાવ્યું છે કે શહેરમાં બાંધકામની સતત પ્રવૃત્તિ અને વાહનોના વધતા પ્રદૂષણને કારણે ખાસ કરીને યુવાનોમાં ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો વધી રહી છે. હવામાં ફેલાતા પ્રદૂષકોમાં પીએમ ૨.૫ અને પીએમ ૧૦ જેવા અતિસૂક્ષ્મ રજકણો હોય છે, જે શ્વસનતંત્રને અસર કરે છે. ધૂમ્રપાન ન કરતા લોકોમાં પણ સીઓપીડી (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ)ના કેસ વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. અગાઉ ધૂમ્રપાન ન કરતા લોકોમાં સીઓપીડી થવા પાછળ બાયોમાસ ઈંધણના ધુમાડાના સંપર્કને મુખ્ય કારણ માનવામાં આવતું હતું. દિવાળી બાદ ફટાકડાના ધુમાડાથી પ્રદૂષણનો બોજ વધે છે. બાળકો ખાસ કરીને તેની અસર સામે વધુ સંવેદનશીલ છે અને તેમનામાં બ્રોન્કાઈટિસના કેસ વધુ સામાન્ય બની રહ્યા છે. પીએમ ૨.૫નું વધતું પ્રમાણ અગાઉ હૃદયરોગનો કોઈ ઈતિહાસ ન ધરાવતા લોકોને પણ અસર કરી રહ્યું છે, જેના કારણે હૃદય સંબંધિત ગંભીર તકલીફો થવાનું જોખમ વધી રહ્યું છે.

Exit mobile version