Site icon Time News

દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈ મોદી સ્ટેડિયમમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત:JCP, DCP, PI સહિત 1300 પોલીસકર્મી તૈનાત

21 નવેમ્બરે, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. આ કોન્સર્ટને લઈને અવારનવાર બોમ્બની ધમકી મળી રહી હોવાથી સ્ટેડિયમ ખાતે 1300થી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત ધમકીને પગલે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ધમકી આપનાર ઈમેલ અને સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરવામાં આવશે. સ્ટેડિયમમાં કોન્સર્ટ થાય ત્યાં સુધી સતત બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ પણ કરવામાં આવશે.

સ્ટેડિયમ, પાર્કિંગ અને ગેટ પર બોમ્બ-ડોગ સ્કવોડની તપાસ

દિલજીતના કોન્સર્ટને લઈને અત્યાર સુધી અનેક વખત ધમકી મળી ચૂકી છે, જેને લઈને અમદાવાદ પોલીસે પણ એક્શન પ્લાન બનાવ્યો છે. કોન્સર્ટના દિવસે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટેડિયમ, પાર્કિંગ અને તમામ ગેટ પર સતત બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવશે. જે ઈમેલ આઇડીથી ધમકી મળી હતી તેનું મોનિટરિંગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા સર્વેલન્સ પણ કરવામાં આવશે.

ખોટી અફવા ફેલાવનાર વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેડિયમમાં કોન્સર્ટ દરમિયાન સીસીટીવી અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે. સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો આવવાના છે જેથી ભીડ નિયંત્રણ કરવા પર ભાર મૂકવામાં આવશે. હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે જેથી સ્ટેમ્પેડ ન થાય. અલગ અલગ ગેટથી એન્ટ્રી આપવામાં આવશે જેથી એક ગેટ પર ભીડ ના થાય.

રસ્તાથી સ્ટેડિયમના સ્ટેજ સુધી અલગ-અલગ લેયરમાં સુરક્ષા

મોબાઈલ ચોરી, ટિકિટની કાળાબજારી અને અન્ય ગુનાખોરી અટકાવવા પોલીસકર્મીઓ સાદા કપડામાં હાજર રહેશે. મહિલાઓ માટે શી ટીમની કર્મચારીઓ પણ સાદા કપડામાં ફરતી રહેશે. રસ્તાથી સ્ટેડિયમના સ્ટેજ સુધી અલગ અલગ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે. સ્ટેડિયમ તરફ આવતા શંકાસ્પદ વાહન તપાસમાં આવશે.

ગેટ પર ચેકિંગ કરવામાં આવશે જે બાદ સ્ટેડિયમની અંદર પણ તપાસ કરવામાં આવશે. સ્ટેડિયમમાં સ્ટેજ પાસેના સ્ટેન્ડિંગ એરિયામાં પણ પોલીસ તૈનાત રહેશે, જેથી વધુ ભીડ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને. મહિલાઓ માટે પણ ચેકિંગની અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. કોન્સર્ટના અગાઉના દિવસે પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવશે.

Exit mobile version