PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ છોડી ભારતની નાગરિકતા, દેશમાં લાવવું થશે મુશ્કેલ
પંજાબ નેશનલ બેન્કના કૌભાંડી આરોપી મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયત્નને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. મેહુલ ચોક્સીએ તેનો ભારતીય પાસપોર્ટ એન્ટીગુઆમાં સરન્ડર કરી દીધો છે અને પોતાની જાતને એન્ટીગુઆનો નાગરિક ગણાવ્યો છે. આમ, મેહુલ ચોક્સીએ કાયદેસર રીતે ભારતીય નાગરિકતા છોડી દીધી છે. મેહુલ ચોક્સીએ એન્ટીગુઆ હાઈ કમિશનમાં તેનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સીના પ્રત્યર્પણ મામલે આવતીકાલે સુનાવણી થવાની છે પરંતુ તે પહેલાં જ તેણે પોતાની જાતને એન્ટીગુઆનો નાગરિક જાહેર કરી દીધો છે. હવે તેને ભારત પ્રત્યાર્પિત કરીને લાવવો મુશ્કેલ છે.મેહુલ ચોક્સીએ તેમનો પાસપોર્ટ જેનો નંબર Z3396732 છે, જે હાઈ કમિશનને જમા કરાવ્યો છે. તે સાથે તેણે તેની કુલ ફી 177 ડોલર પણ જમા કરાવ્યા છે. આ વિશે વિદેશ મંત્રાલયે ગૃહ મંત્રાલયને પણ જાણ કરી છે. મેહુલ ચોક્સીનું હવે કાયદેસરનું સરનામું હાર્બર, એન્ટીગુઆ થઈ ગયું છે.
મેહુલ ચોક્સીના વકીલોને આશા છે કે, આ પ્રયત્નોથી ભારત દ્વારા ચોક્સીને પ્રત્યપ્રિત કરવાના પ્રયત્નોને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. નોંધનીય છે કે, મેહુલ ચોક્સી વિરુદ્ધ પહેલાં પણ ઈન્ટરપોલની નોટિસ જાહેર કરવામાં આવી હતી. ભારતની ઘણી એજન્સીઓ તેને શોધી રહી છે.