PM મોદી 3 જાન્યુઆરીએ ગાંધીનગરમાં સરદાર પટેલની પ્રતિમાનું કરશે અનાવરણ

સરદારધામ- વિશ્વ પાટીદાર સમાજ અમદાવાદના વડપણ હેઠળ વૈષ્ણોદેવી સ્થિત સરદારધામ ભવન ખાતે રવિવારે પાવન પગલાં પાટીદારનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 3થી 5 જાન્યુઆરીએ ગાંધીનગરમાં હેલિપેડ પ્રદર્શન ગ્રાઉન્ડમા યોજાનારી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 500થી વધુ પાટીદાર બિઝનેસમેન આવ્યા હતા. તેમજ કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા.
સરદારધામના પ્રમુખ સેવક રઘજી સુતરિયાએ આ અંગે જણાવતા કહ્યું કે, 3થી 5 જાન્યુઆરીએ પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટ યોજાશે, જે 2018 કરતા સાત ગણી મોટી સમિટ હશે. સમિટમાં સર્વ સમાજ સામાજિક સમરસતાના ભાગરૂપે સૌ પોતાના વ્યાપારિક ઉદ્યોગોનું વિસ્તરણ કરી શકે માટે સમાજને પણ 10 ટકાનો રેશિયો ઓપન રખાયો છે. તેમજ માતૃશક્તિના સશક્તિકરણના ભાગરૂપે 50 ટકાના ડિસ્કાઉન્ટ પર ડોમ ફળવાશે.
3 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની ભારતની બીજા નંબરની 50 ફૂટની પ્રતિમા અને હેલીપેડ ગ્રાઉન્ડમાં પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટનું અનાવરણ કરશે. ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે પાટીદાર સમાજે સર્વ સમાજને સાથે લઈને એક સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની ભાવ સાથે એક ઐતિહાસિક અભિયાન છેડ્યું છે.
પાટીદારોની પ્રગતિના પ્રતિબિંબ સમાન 1 હજારથી વધારે સેક્ટર સ્પેશિફિક સ્ટોલનું એક્ઝિબિશન થશે, અગ્રણી ઉદ્યોગપતિઓ આવશે. આર્થિક વિકાસના મુદ્દાઓ પર સેમિનાર પણ યોજવામાં આવશે.