PM મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પર સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ, લેવડાવ્યા એકતાના શપથ
રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા. અહી તેમણે 150મી સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા હતા.
મોદીએ એકતા દિવસ પર શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું સત્ય નિષ્ઠાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પૂરો પ્રયાસ કરીશ.
હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું. જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિતા અને કાર્યોના કારણે શક્ય બન્યું હતું. હું મારા દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું યોગદાન આપવાનો પણ સત્ય નિષ્ઠાથી સંકલ્પ કરું છું.
સરદાર પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “સરદાર પટેલની વિચારધારા આપણને હંમેશા પ્રેરણા આપશે. તેમના આદર્શો આપણને શીખવે છે કે દેશની એકતા અને અખંડિતતા આપણા માટે સર્વોચ્ચ છે.”