પાકિસ્તાનના મદદગાર ચીન પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર અને કહ્યું…
અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના મદદગાર ચીન પર જોરદાર હુમલો કર્યો છે. તેઓએ કહ્યું કે આતંકવાદીઓને ફંડ અને હથિયાર આપવાનું બંધ કરો. સાથોસાથ તેઓએ કહ્યું કે આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ યાદી અને ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફૉર્સ (FATF) જેવી પ્રણાલીઓનું રાજનીતિકરણ ન થવા દેવું જોઈએ.
પીએમ મોદીએ આ વાત ન્યૂયૉર્કમાં આયોજિત ‘લીડર્સ ડાયલૉગ’માં કરી. આ મંચ પર દુનિયાભરના નેતા આતંકવાદ અને હિંસા પર ચર્ચા કરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે દુનિયાભરના નેતાઓએ જે રીતે જળવાયુ પરિવર્તનના પડકારોને લઈ એકજૂથતા દર્શાવી છે તેવી જ રીતે તેમને આતંકવાદ ખત્મ કરવા વિશે પણ ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે. દુનિયાના કોઈ પણ ભાગમાં થતા આતંકવાદી હુમલાને આતંકવાદ જ માનવો જોઈએ. તેને મોટું કે નાનું અથવા સારું કે ખરાબ ન માનવા જોઈએ. તેઓએ કહ્યુ કે, દ્વિપક્ષીય અને ક્ષેત્રીય માળખા દ્વારા ઇન્ટેલિજન્સ જાણકારીની આપ-લે કરવાની પ્રક્રિયા અને ચાલી રહેલા સહયોગમાં ગુણાત્મક સુધારનીી જરૂર છે.
આ બેઠક બાદ વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) ગીતેશ શર્માએ કહ્યું કે, વડાપ્રધાને કહ્યું કે, આતંકવાદીઓને ફંડ અને હથિયાર નહીં આપવા જોઈએ. તેના માટે જરૂરી એ છે કે સંયુક્ત રાષ્ટ્ર અને FATF જેવા મુદ્દાઓ પર રાજનીતિ ન થવી જોઈએ. તેઓએ એમ પણ કહ્યુ કે, દુનિયામાં જો ક્યાંય પણ હુમલા થાય છે તો તેને ખરાબ અને સારા આતંકવાદનું નામ ન આપવું જોઈએ.