અમદાવાદ

શિક્ષણ વિભાગ તરફથી રાજ્યમાં ૧૩ ફેબ્રુઆરી સુધીમાં ૨૩ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં નોલેજ કોન્સોર્શિયમ ઑફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ચોથી અને પાંચમી ફેબ્રુઆરીના રોજ મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજવામાં આવશે. જેમાં 100 કંપનીઓ 2500 વિદ્યાર્થીઓને નોકરીઓ ઑફર કરશે.

વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પરથી રોજગારીની તકો મળી રહે તથા કંપનીઓને ખાલી જગ્યાઓ માટે પસંદગી કરવા બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ધ્વારા સમગ્ર રાજ્યમાં ૨૮ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી દરમ્યાન ૨૩ પ્લેસમેન્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં સરકારી કૉલેજો તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલી ગ્રાન્ટ-ઈન-એડ કૉલેજોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.

આ નોકરી ભરતી શિબિરોના આયોજન અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર (ઝોન-૧, નોડ-૨)નો મેગા પ્લેસમેન્ટ કેમ્પ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના કેમ્પસમાં ૪ અને ૫ ફેબ્રુઆરીએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા કમિશનરશ્રી,ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યો છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના ઉર્જા મંત્રી માનનીય શ્રી સૌરભભાઈ પટેલ ધ્વારા કરવામાં આવનાર છે. કેમ્પમાં અતિથિવિશેષ તરીકે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્મા તેમજ સીઆઈઆઈ-ગુજરાતના ઉપ-પ્રમુખ રાજુભાઈ શાહ ઉપરાંત ટેકનિકલ શિક્ષણ કમિશનર અવંતિકા સિંહ ઉપસ્થિત રહેશે. આ કેમ્પ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓની નોંધણીથી માંડીને તેઓની સંપૂર્ણ બેઠક વ્યવસ્થા, રોજગાર અંગેની મહત્વની માહિતી, કંપની પ્રતિનિધિઓ સાથેની ઈન્ટરવ્યુ માટેની વ્યવસ્થા તથા વિદ્યાર્થીઓની ઓન ધ સ્પોટ નોંધણી પણ થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું.

બીજી બાજુ સમગ્ર વ્યવસ્થા વિશે જાણકારી આપતા જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ.એસ.ડી.પંચાલે એવી માહિતી આપી હતી કે કેમ્પમાં અમદાવાદ અને ગાંધીનગરની સરકારી પોલિટેકનિક કૉલેજો તેમજ એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજ, વિશ્વકર્મા સરકારી એન્જીનિયરીંગ કૉલેજ, ગાંધીનગરની સરકારી એન્જીનિયરીંગ કૉલેજ સહિત દસ કૉલેજોના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ હેતુસર કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે 241 કંપનીઓ ભાગ લેવા સહમત થઈ હતી. તેમાંથી જીટીયુ ચાંદખેડા કેમ્પ માટે 100 કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તે કંપનીઓ કુલ 3627 જગ્યાઓ માટે આશરે 2500થી વધુ વિદ્યાર્થીઓને નોકરીની ઑફર કરશે. જેમાં ઓટોમોબાઈલ્સ, મિકેનિકલ એન્જીનિયરીંગ, સિવીલ એન્જીનિયરીંગ, આર્કિટીક્ચર, કોમ્પ્યુટર એન્જીનિયરીંગ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઈલેક્ટ્રોનિક્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ, બિન-ટેકનિકલ શિક્ષણના ડિપ્લોમા તથા ડિગ્રીધારક વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button