પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત ઘટાડો
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ત્રણ દિવસની સ્થિરતા પછી શુક્રવારે ફરીથી કિંમતોમાં ઘટાડાનો સિલસિલો શરૂ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પાછલા દિવસોમાં કાચા તેલની કિંમતોમાં થયેલા ભારે ઘટાડા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ આગળ પણ ઘટી શકે છે.
જો કે વિદેશી વાયદા બજારમાં કાચા તેલની કિંમતોમાં હાલ તુરત રિકવરી આવી છે. શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. દિલ્હીમાં અને મુંબઈમાં 17 પૈસા, કોલકાતામાં 16 પૈસા અને ચેન્નાઈમાં 18 પૈસા પ્રતિલીટર ભાવ ઘટાડો થયો છે. તો ડીઝલના ભાવ દિલ્હી અને કોલકાતામાં 15 પૈસા, જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં 16 પૈસા પ્રતિ લીટર ઘટી ગયા છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતોમાં ક્રમશઃ 70.46 રૂપિયા, 72.55 રૂપિયા, 76.08 રૂપિયા અને 73.11 રૂપિયા પ્રતિ લીટર જોવા મળ્યા હતા. તેલ વિતરણ કંપનીઓએ ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ ઘટીને ક્રમશઃ 64.39 રૂપિયા, 66.15 રૂપિયા, 67.39 રૂપિયા અને 67.98 રૂપિયા પ્રતિ લીટર નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બઝારમાં આ અઠવાડિયે કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. જેનાથી ભારતમાં ઉપભોક્તાઓને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગળ રાહત મળી શકે છે.