પાકિસ્તાનના આ ખેલાડીએ વર્લ્ડકપ-2019ને લઇને કહ્યું એવું કે…
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોઈન ખાનનું માનવું છે કે, હાલની ટીમ વિશ્વકપમાં હંમેશા ભારત સામે હારવાના કલંકને ધોઈને ઈંગ્લેન્ડમાં યોજાનારા આગામી વર્લ્ડકપમાં કટ્ટર હરીફ ભારત પર પહેલી જીત મેળવી શકે છે.
વિશ્વકપમાં અત્યાર સુધી છ વખત ભારત અને પાકિસ્તાનની ટક્કર થઈ છે અને દર વખતે ભારતનો વિજય થયો છે. હવે બન્ને ટીમો 16 જૂને ક્રિકેટના આ મહાકુંભમાં આમને-સામને હશે. મોઈને કહ્યું કે, હાલની ટીમ વર્લ્ડકપમાં ભારત પર પ્રથમ જીત મેળવી શકે છે, કારણ કે આ ખૂબ પ્રતિભાશાળી ટીમ છે. તેમાં ડેપ્થ અને વિવિધતા છે અને સરફરાઝ અહમદનો ખેલાડીઓ સાથે સારો તાલમેલ છે.
મોઈને ભારત અને ઈંગ્લેન્ડને વર્લ્ડકપના પ્રબળ દાવેદાર ગણાવ્યા છે. તેણે કહ્યું, આ રસપ્રદ વિશ્વકપ હશે અને મને લાગે છે કે, પાકિસ્તાની ટીમ ભારતને હરાવી દેશે. અમે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે મેચ રમીને વર્લ્ડકપમાં આવીશું.
વર્લ્ડકપ 1992 અને 1999ની ટીમના સભ્ય રહેલા મોઈને કહ્યું કે, તેને આ વખતે પાકિસ્તાનની જીતનો વિશ્વાસ છે. તેણે કહ્યું, અમારી ટીમે બે વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને હરાવ્યું અને ઈંગ્લેન્ડમાં જૂનમાં સ્થિતિ અમારી અનુકૂળ હશે. અમારી પાસે સારા બોલર છે.