પાકિસ્તાની સેનાએ ભારતથી ટકરાવવાની તૈયારી કરી શરૂ, હોસ્પિટલોને તૈયાર રહેવા ક્હયું
પુલવામાં હુમલા બાદ પાકિસ્તાન આર્મીએ ભારત સાથે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, સીમા પર તહેનાત ટૂકડીઓ માટે યુદ્ધનો સામાન મોકલવામાં આવી રહ્યો છે. હોસ્પિટલોને પણ મેડિકલ સપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરે ઈમરાન ખાન સરકારને કહ્યું છે કે, ભારત તરફથી વધી રહેલા પ્રેશરથી ઝૂકવાની જરૂર નથી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ પુલવામા હુમલાની ખૂબ નિંદા કરી છે. ભારત પ્રતિ સમર્થન દર્શાવતા હુમલાને કાયરતાવાળો ગણાવ્યો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બલૂચિસ્તાનમાં આવેલી પાકિસ્તાન સેના અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મિર (પીઓકે)ના સ્થાનિક પ્રશાસનને આદેશ આપી દેવામાં આવ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સાથે યુદ્ધ થવાની સ્થિતિમાં તૈયારી શરૂ કરી દો.
પાકિસ્તાની આર્મીના હેડક્વાર્ટર ક્વેટા બેઝ લોજિસ્ટિક્સ એરિયા (એચક્યૂએલએ)થી જિલ્લા હોસ્પિટલોને 20 ફેબ્રુઆરીએ આદેશ આપવામાં આવ્યો છે કે, ભારત સાથે યુદ્ધ થવાની સ્થિતિમાં મેડિકલ સપોર્ટ તૈયાર રાખવામાં આવે.આદેશમા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, અમને આશા છે કે, પૂર્વમાં યુદ્ધની સ્થિતિમાં ઘાયલ જવાનોને સિંધ અને પંજાબના સિવિલ અને મિલેટ્રી હોસ્પિટલોમાંથી મદદ મળશે. શરૂઆતના ઈલાજ પછી ઘાયલ જવાનોને બલૂચિસ્તાનની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. અહીં તેમને ત્યાં સુધી રાખવામાં આવશે જ્યાં સુધી સિવિલ મિલેટ્રી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ન કરી લેવામાં આવે.
સિવિલ હોસ્પિટલોમાં બેડની સંખ્યા 25 ટકા સુધી વધારવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુરુવારે પીઓકે સરકારે નીલમ, ઝેલમ, રાવલકોટ, હવેલી, કોટલી અને ભિમ્બરની નિયંત્રણ રેખા નજીક રહેનાર લોકો માટે એડ્વાઈઝરી જાહેર કરી છે. જંગની સ્થિતિમાં લોકોને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.