પાકિસ્તાન બોર્ડનો BCCIને કરગરતો પત્ર:કહ્યું- લાહોરમાં મેચ રમીને દિલ્હી કે ચંદીગઢ પરત ફરે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પ્રસ્તાવ આપ્યો છે. Cricbuzz અનુસાર, PCBએ કહ્યું છે કે ટીમ ઈન્ડિયા દરેક મેચ રમીને ભારત પરત ફરી શકે છે અને પાકિસ્તાની બોર્ડ આમાં તેમની મદદ કરશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે PCBએ તાજેતરમાં BCCIને પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે જો ભારતીય ટીમ સુરક્ષા કારણોસર પાકિસ્તાનમાં રહેવા માંગતી નથી અને દરેક મેચ પછી ચંદીગઢ અથવા નવી દિલ્હી પરત ફરવા માગે છે, તો બોર્ડ તેમની મદદ કરશે. PCBના એક અધિકારીએ આ પ્રસ્તાવની પુષ્ટિ કરી છે. આ ઓફર આપવાનું કારણ ભારતની છેલ્લી 2 મેચ વચ્ચે એક અઠવાડિયાનું અંતર છે.અહેવાલો અનુસાર, ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની તાજેતરની પાકિસ્તાન મુલાકાત દરમિયાન ભારતીય ટીમના પાકિસ્તાન જવા અંગે ચર્ચા થઈ હતી. જયશંકર અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર વચ્ચેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો હતો. આ મુલાકાત બાદ PCBની આશા જાગી છે, જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.