પાક.મરીનની વધુ એક નાપાક હરકત, ફાયરિંગ કરી માછીમારોને બનાવ્યા બંધક
અરબી સમુદ્રમાં આઈએમબીએલ ઓળંગી ભારતીય જળ સીમમાં ઘુસી પાકિસ્તાની મરીન એજન્સીએ માછીમારી કરી રહેલ બે ભારતીય બોટ પર ફાઈરિંગ કરતા સનસનાટી મચી ગઈ છે. પાક એજન્સીના જવાનોએ બંને બોટના માછીમારોને બંધક બનાવી બોટમાંથી જીપીએસ સીસ્ટમ સહીતના સમાનની લૂંટ ચલાવ્યાની વિગતો સામે આવી છે.
દોઢ મહિના પૂર્વે પાકિસ્તાની મરીન એજન્સીએ અરબી સમુદ્રમાં આઇએમબીએલ ઓળંગી ભારતીય જળ સીમમાં ઘુસી અંધાધુંધ ફાઈરિંગ કરી માછીમાર બોટ પર કબજો જમાવવા કરેલા હિચકારા પ્રયાસ બાદ ગઈ કાલે વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
અરબી સમુદ્રમાં આઇએમબીએલ આજુબાજુ વધારે પ્રમાણમાં માછલી મળતી હોવાથી ભારતીય માછીમારો પાક મરીનની ચાચીયાવૃતિની પરવા કર્યા વિના માછીમારી કરવા જળ સરહદ તરફ દોરાય છે. જેનો લાભ ઉઠાવી પાક મરીન એજન્સી છાછવારે ભારતીય માછીમારી બોટનું અપહરણ કરતી આવી છે. ગઈ કાલે ભારતીય માછીમારો ઝાળ બિછાવી આરામથી માછીમારી કરી રહ્યા હતા ત્યાં પાક મરીન એજ્સીની બે બોટ ભારતીય જળ સીમામાં ઘુસી આવી હતી.
પાક એજ્સીને તમામ માછીમારોને સરણે આવી જવા ફરમાન કર્યું હતું અને ત્યારબાદ ફાઈરિંગ કરી પરાણે સરણે થવા દબાણ કર્યું હતું. ત્યારબાદ પાક એજન્સીના જવાનોએ માછીમારોને બંધક બનાવી, બોટમાંની જીપીએસ સીસ્ટમ સહિતની વસ્તુઓની લૂંટ ચલાવી હતી. આ બંને બોટ સલાયા અને ઓખા બંદરથી માછીમારી કરવા રવાના થઇ હોવાનું જાણવા મળ્યું છે. જો કે પાક એજન્સી તરફથી હજુ આ બોટ અને માછીમારો અંગે સતાવાર જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આવી ઘટના ઘટી છે એમ માછીમાર વર્તુળો માંથી જાણવા મળ્યું છે. સુત્રોએ જણાવ્યા મુજબ બંને બોટ અને ખલાસીઓના અપહરણ કરાયા છે, જો કે શનિવાર મોડી રાત સુધી સત્તાવાર જાહેર થયું નથી.