Site icon Time News

સ્પાઇસજેટની પાંખો કપાઈ, દેવું વધ્યું:એક સમયે દેશની બીજી સૌથી મોટી એરલાઇન પાસે માત્ર 13 વિમાન બાકી, ; ફ્લાઇટ રદ-વિલંબ મુદ્દે DGCAએ જવાબ માંગ્યો

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ સતત ફ્લાઇટ રદ થવા, વિલંબ અને ઓપરેશનલ ગેરરીતિઓને લઈને સ્પાઇસજેટને નોટિસ જારી કરી છે. 17 નવેમ્બરે જારી કરાયેલી નોટિસમાં એરલાઇન પાસેથી 7 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર, 2019માં દેશની બીજી સૌથી મોટી એરલાઇન કંપની રહેલી સ્પાઇસજેટ પાસે હવે માત્ર 13 વિમાન બાકી છે, જેમાંથી 10થી પણ ઓછાં ઉડાન ભરવાની સ્થિતિમાં છે.

કંપની પર આશરે 35 કરોડ રૂપિયાનું દેવું છે. લીઝ પર વિમાન આપતી કંપનીઓને ચુકવણી ન કરી શકવાને કારણે એરલાઇન પાસેથી કેટલાંક વિમાન હટાવવામાં આવ્યા છે અથવા ગ્રાઉન્ડેડ છે.

છેલ્લા 9 મહિનામાં કંપનીનો માર્કેટ શેર 3.9%થી ઘટીને 0.6% થઈ ગયો છે. આ વર્ષના ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં સ્પાઇસજેટની દર પાંચમાંથી એક ફ્લાઇટ રદ થઈ હતી.

DGCAએ આ 8 મામલાઓમાં કંપની પાસેથી જવાબ માંગ્યો

1. નાના શહેરો માટે નિર્ધારિત ફ્લાઇટ્સ ચલાવી નહીં: સ્પાઇસજેટે 2026માં નાના અને દૂરના શહેરો માટે નિયમો અનુસાર ફ્લાઇટ્સનું સંચાલન કર્યું નહીં. DGCAએ આ રૂટ્સ પર વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનું જણાવ્યું છે.

2. વિદેશી ફ્લાઇટ્સના નિયમોનું પાલન કર્યું નહીં: એરલાઈને નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવા માટે જરૂરી શરતો પૂરી કરી નહીં. નિયમો અનુસાર, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવતી એરલાઈન પાસે ઓછામાં ઓછા 20 વિમાનો અથવા કુલ ક્ષમતાના 20%, બેમાંથી જે વધુ હોય તેટલી ક્ષમતા સ્થાનિક ફ્લાઇટ્સ માટે હોવી જોઈએ.

3. સમયસર ઉડાન ભરવાનો રેકોર્ડ બગડ્યો: 19 નવેમ્બરે સ્પાઇસજેટની સમયસર ઉડાન ભરવાનો દર (OTP) માત્ર 25% રહ્યો. જ્યારે અન્ય ભારતીય એરલાઇન્સનો OTP 80%થી વધુ હતો. એટલે કે સ્પાઇસજેટની દર 5માંથી માત્ર 1 ઉડાન જ સમયસર રવાના થઈ શકી.

4. મંજૂર સમયપત્રક મુજબ ઉડાનોનું સંચાલન ન કર્યું: DGCAએ જણાવ્યું કે એરલાઇન મંજૂર સમયપત્રક મુજબ ઉડાનોનું સંચાલન કરી રહી નથી. વિન્ટર શેડ્યૂલમાં દરરોજ 66 ઉડાનોની મંજૂરી હોવા છતાં કંપની લગભગ 10 ઉડાનો પણ ચલાવી શકતી નથી.

5. મુસાફરોને સતત મુશ્કેલી: ઉડાનોમાં વિલંબ અને રદ થવાને કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. DGCAએ મુસાફરોની મદદ માટે પૂરતી વ્યવસ્થા ન હોવા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.

6. અગાઉ લગાવવામાં આવેલ દંડ ભર્યો નથી: DGCAએ 11 મે 2026ના રોજ સ્પાઇસજેટ પર દંડ ફટકાર્યો હતો. ઘણી વખત યાદ અપાવવા છતાં કંપનીએ તેની ચૂકવણી કરી નથી. જોકે, દંડની રકમની માહિતી સામે આવી નથી.

7. જરૂરી વીમા કવરનાં રિન્યુઅલ પર સવાલ: DGCAએ એરલાઇનના ફરજિયાત વીમા કવરને આગળ વધારવા (રિન્યુઅલ) અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી છે. કામગીરી ચાલુ રાખવા માટે આ વીમો જરૂરી હોય છે.

8. વિદેશી ઉડ્ડયન એજન્સીઓએ પણ ફરિયાદ કરી: વિદેશી ઉડ્ડયન એજન્સીઓએ સ્પાઇસજેટની ઉડાનોમાં ગેરવ્યવસ્થા અંગે DGCA સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. આ ફરિયાદો વિદેશોમાં સેવા આપતી કંપનીઓને સમયસર ચુકવણી ન કરવા સાથે સંબંધિત છે.

સ્પાઇસજેટનો સ્થાનિક બજારમાં હિસ્સો ફેબ્રુઆરીમાં 3.9% હતો, જે ઓગસ્ટમાં ઘટીને 1.2% થયો અને સપ્ટેમ્બરમાં 0.6% રહ્યો.

બીજી તરફ, BSE પર કંપનીનો શેર લગભગ 5% ઘટીને 9.74 રૂપિયા પર આવી ગયો. BSEએ પણ DGCAની નોટિસ અંગે સ્પાઇસજેટ પાસેથી સ્પષ્ટતા માંગી છે.

નોટિસ જાહેર થયાના બીજા દિવસે, 18 નવેમ્બરે કંપનીના બોર્ડે પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે 5,500 કરોડ રૂપિયા સુધીની રકમ ઊભી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી.

Exit mobile version