ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું:આ શહેરમાં 60 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત

વિશ્વમાં અને ભારતમાં
કોરોનાએ ગુજરાતમાં ફરી ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 30 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં એક દર્દીનું મોત પણ નિપજ્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાને કોરોનાના લક્ષણો બાદ 4 માર્ચે સ્મીમેરમાં દાખલ કરાયા હતા. જ્યાં બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે સવારે મહિલાનું મોત નિપજ્યું હતું. તેમને ડાયાબિટીસ, પ્રેસર અને કિડનીની જૂની બીમારી હતી. તેમના પરિવારના 7 સભ્ય અને સંપર્કમાં આવેલા 15 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. વૃદ્ધાને અગાઉ કોવિડ થયો ન હતો તથા વેક્સીન પણ લીધી ન હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, દેશમાં H3N2ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં મોતને ભેટનાર મહિલાના મોતને લઈને H3N2ની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ તો સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ જાણ થશે.
આ સાથે શહેરમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. ઘોડદોડ રોડ સ્થિત 86 વર્ષીય વૃદ્ધને 3 દિવસથી શરદી ખાંસી તાવ અને શ્વાસની તકલીફ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાલની 52 વર્ષીય મહિલાને 3 દિવસથી તાવ અને ખાંસીની તકલીફ હતી. જેથી સ્મીમેરમાં ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓએ કોરોનાને હરાવી ઘરે પહોંચ્યા હતા. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં 2 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓની વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલી રહી છે.