સુરતમાં BRTS રૂટમાં 6 લોકોને ઉડાવનાર કારચાલક ચિક્કાર દારૂ પીધેલો હતો, ફરિયાદમાં પણ દારૂ પીધેલાનો ઉલ્લેખ

સુરતમાં રાત્રે સ્વિફ્ટ કાર ચાલકે બાઈક સવાર 6 વ્યક્તિઓને એડફેટે લીધા હતા. તમામને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં કાપોદ્રા પોલીસના કર્મચારી દ્વારા ફરિયાદી બની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કાર ચાલક સાજન પટેલ દારૂ પીધેલો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
ભક્તિ ઠાકર (ડીસીપી)એ જણાવ્યું હતું કે, રાત્રે કાપોદ્રા ખાતે કાર ચાલક સાજન ઉર્ફે સની પટેલે સ્વિફ્ટ કારથી ત્રણ બાઈક ચાલકોને અડફેટે લીધા હતા. પહેલા એક બાઈકને ટક્કર માર્યા બાદ બીજી બે બાઈકને ટક્કર મારી ઉડાવ્યા હતા. આ બાઈક પર સવાર છ લોકોને ઈજા પહોંચાડી હતી. કાર પોલ સાથે અથડાવી દીધી હતી.
લોકોએ સાજનને પકડી લીધો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કલમ 308 દાખલ કરી છે. સનીના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતા સાથે ઉત્રાણમાં રહે છે. ફરિયાદી ઈજાગ્રસ્ત રચના સોસાયટીમાં રહે છે. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.આરોપીનો ગુનાહિત ઈતિહાસ જોઈએ તો તેના વિરુદ્ધ પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પીધેલાનો કેસ થયો હતો. વતન આણંદના સોજીત્રામાં કલમ 185 હેઠળ દારૂ પીને ગાડી ચલાવતા ગુનો નોંધાયેલો છે. પુણા પોલીસમાં મારામારી અને અમરોલીમાં કલમ 135 હેઠળ ગુનો નોંધાયેલો છે.