National
CM અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટમાંથી ન મળી રાહત, CBI ધરપકડને પડકારતી અરજી ફગાવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે યથાવત રાખી છે. સીએમ કેજરીવાલે આ ધરપકડને પડકારતી અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.
અરજી ફગાવી દેતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, એવું ન કહી શકાય કે અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા કોઈ યોગ્ય કારણ વગર ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ રાહત માટે ટ્રાયલ કોર્ટમાં જઈ શકે છે.
25 જુલાઈના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસની સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી હતી.
સીબીઆઈએ 29 જુલાઈએ સુનાવણીમાં કહ્યું હતું કે, કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસના અસલી આર્કિટેક્ટ છે. તેની ધરપકડ કર્યા વિના કેસની તપાસ થઈ શકી ન હતી. એક મહિનાની અંદર અમે ચાર્જશીટ દાખલ કરી.
દિલ્હી હાઈકોર્ટે 17 જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં કેજરીવાલની ધરપકડ અને વચગાળાની જામીન અરજી પર પણ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.