GTUમાં સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવા અંગે નથી કરાઇ કોઈ વિચારણા
છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરની કોલેજોમાં સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવા માટે છેલ્લા એક વર્ષથી જુદી જુદી કોલેજોનાં સંગઠનો, વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆતો થઇ રહી છે. હાલમાં ૧૦૦ જેટલી ખાનગી કોલેજોના હોદ્દેદારો દ્વારા સેમેસ્ટર પ્રથાની નાબૂદીના અમલ માટે પરીક્ષાનો બહિષ્કાર કરવાનું એલાન કરાયું હતું, પરંતુ હજુ સુધી સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવા અંગે હજુ કોઈ વિચારણા કરાઈ નથી.
જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે સેમેસ્ટર પ્રથા નાબૂદ કરી શકાય કે કેમ તે બાબતની ચર્ચા-વિચારણા કરવા માટે અમે કાઉન્સિલ પાસે સમય માગ્યો છે. હજુ સુધી ચર્ચા બેઠક કરવા માટેનો સમય મળ્યો નથી. પહેલાં અમે સલાહ લઇશું. ત્યારબાદ આ અંગેની દરખાસ્ત કરવી કે કેમ તે અંગેનો નિર્ણય લેવાશે. હાલમાં આ અંગે કશું કહી શકાય નહીં. જીટીયુની પરીક્ષા સમયપત્રક મુજબ જ લેવાશે.
કોઇ પણ યુનિવર્સિટી સેમેસ્ટર પ્રથા રદ કરવાનો નિર્ણય લઇ શકે નહીં. જો તેવું થાય તો જેે તે કોલેજ કે યુનિવર્સિટીને યુજીસીની ગ્રાંટ મળવાપાત્ર થાય નહીં. આ નિર્ણય માત્ર યુજીસી, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકિનકલ એજ્યુકેશન સાથે મળીને આ નિર્ણય લઇ શકશે.
યુજીસીની ગાઇડલાઇન મુજબ કોલેજોમાં સેમેસ્ટર પ્રથા હાલમાં સેટ થયેલ છે અને તે પ્રમાણે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ આખું ફોર્મેટ બદલવું તે સમય માગી લે તે બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓ સેમેસ્ટર પ્રથા રદ કરવાની માગ કરી રહ્યા છે.