લોભામણી ઓફર કરે તો એલર્ટ થઇ જજો: ગુજરાત, બિહાર સહિત દેશનાં નવ રાજ્યો બન્યા સાયબર ક્રાઇમના ‘હોટસ્પોટ’
કહેવાય છે કે દરેક નવી સુવિધા કે ટેક્નોલોજી તેની સાથે કેટલાંક એવાં અનિષ્ટો પણ લઈને આવે છે, જે તેને એક ક્ષણમાં જ આશીર્વાદમાંથી શ્રાપમાં બદલી નાખે છે. જેટ સ્પીડવાળા ઈન્ટરનેટના આ આધુનિક યુગમાં આજે લોકો સોશિયલ મીડિયા પર સતત પોતાની અંગત જિંદગીના અપડેટ્સ પોસ્ટ કરીને લાઈક અને કોમેન્ટ્સની રાહ જોઈને બેઠા હોય છે ત્યારે કેટલાક શાતિર લોકો માનવ મનની દરેક નબળાઈનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવીને જાળ બિછાવી તૈયાર જ બેઠા હોય છે.
સાયબર ક્રાઈમના આ ખતરનાક ઠગ એક પળમાં જ તમારા બેન્ક એકાઉન્ટમાંથી તમારી જિંદગી આખીની મહેનતની કમાણી ઉડાવી જાય છે અને મોટા ભાગના કેસમાં પોલીસ પણ તેમના સુધી પહોંચવામાં અસમર્થ નીવડે છે. સાયબર ક્રાઈમ પોલીસ અને નિષ્ણાતોની વારંવારની ગંભીર ચેતવણી છતાં પણ લોકો અન્યની ભૂલમાંથી પાઠ શીખતા નથી અને આવા ઠગની બિછાવેલી જાળમાં ફસાઈને હજારો, લાખો અને ક્યારેક તો કરોડો રૂપિયા પણ ગુમાવી બેસે છે.
તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે, પરંતુ હકીકત એ છે કે આપણા દેશમાં દિલ્હીથી લઈને આંધ્રપ્રદેશ અને ગુજરાતથી લઈને આસામ સુધી કુલ નવ રાજ્યમાં ત્રણ ડઝનથી પણ વધુ ગામ અને શહેર એવાં છે, જે ખતરનાક સાયબર ઠગનો ગઢ બની ચૂક્યાં છે. એક જમાનામાં ઝારખંડના જામતારાને જ સાયબર ક્રાઈમનો કિલ્લો ગણવામાં આવતું હતું, પરંતુ હવે કેન્દ્ર સરકાર ખુદ કબૂલી રહી છે કે દેશભરમાં એક કે બે નહીં, પરંતુ જામતારા જેવા ત્રણ ડઝનથી પણ વધારે ‘હોટસ્પોટ’ સક્રિય છે.
સરકારના જણાવ્યા અનુસાર દેશનાં નવ રાજ્ય, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં પણ હવે સાયબર ક્રાઈમ આચરતી ટોળકીના નવા ગઢ બની ગયા છે. રાજ્યવાર ‘હોટસ્પોટ’ની વાત કરીએ તો હરિયાણાના મેવાત, ભિવાની, નૂહ, પલવલ, મનોટા, હસનપુર અને હથન ગાંવ સાયબર ઠગનો ગઢ ગણાય છે. દિલ્હીના અશોકનગર, ઉત્તમનગર, શકરપુર, હરકેશનગર, ઓખલા અને આઝાદપુર ઠગ ટોળકીનાં નવાં ઠેકાણાં બન્યાં છે.
આ સાથે બિહારના બાંકા, બેગુસરાઈ, જમુઈ, નવાદા, નાલંદા અને ગયામાં સાયબર ક્રિમિનલોએ અડ્ડો જમાવ્યો છે. આસામના બારપેટા, ધુબરી, ગોલપાડા, મોરિગાંવ, નાગાંવ નવાં એપી સેન્ટર બન્યાં છે. ઝારખંડનાં જામતારા ઉપરાંત દેવઘર, પશ્ચિમ બંગાળનાં આસનસોલ અને દુર્ગાપુર, ગુજરાતનાં અમદાવાદ અને સુરત શહેર, ઉત્તરપ્રદેશનું આઝમગઢ અને આંધ્રપ્રદેશનું ચિત્તુર હવે સાયબર અપરાધો માટેના નવા ગઢ બનીને ઊભર્યા છે.