નેપાળે ભારતીય રૂ.200, 500 અને 2,000ની ચલણી નોટો પર મૂક્યો પ્રતિબંધ
પડોશી દેશ નેપાળે ભારતીય કરન્સીની રૂ.ર૦૦, પ૦૦ અને ર,૦૦૦ની ભારતીય ચલણી નોટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે નેપાળમાં માત્ર ભારતીય કરન્સીની રૂ.૧૦૦ સુધીના મૂલ્યની નોટ જ ચાલશે. બે વર્ષ પહેલાં ભારત સરકારે દેશમાં નોટબંધી કરી હતી, પરંતુ હવે નેપાળે રૂ.૧૦૦થી વધુ મૂલ્યની ભારતીય નોટો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
નેપાળની કેબિનેટે તાત્કાલિક અસરથી આ આદેશનો અમલ કરવા સૂચના જારી કરી દીધી છે. નેપાળી અખબાર કાઠમંડુ પોસ્ટના અહેવાલ અનુસાર સરકારે લોકોને એવી અપીલ કરી હતી કે હવે રૂ.૧૦૦થી વધુ મૂલ્યની નોટ એટલે કે રૂ.ર૦૦, પ૦૦ અને ર,૦૦૦ના દરની ભારતીય ચલણી નોટો પોતાની પાસે રાખે નહીં. હવે નેપાળમાં માત્ર રૂ.૧૦૦ સુધીની ભારતીય નોટો જ માન્ય અને કાયદેસર ચલણ ગણાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં જયારે નવેમ્બર ર૦૧૬માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે નેપાળમાં મોટા પ્રમાણમાં રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની જૂની નોટો હતી અને જેના કારણે આ નોટોનું ચલણ અટકી ગયું હતું. ત્યાર બાદ આ નોટો પરત લેવા અંગે નેપાળ સરકારને ભારત સરકાર સાથે વિવાદ ઊભો થયો હતો.
આમ આજે જ્યારે રૂ.ર૦૦, પ૦૦ અને ર,૦૦૦ના મૂલ્યની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેનું કારણ આ વિવાદ પણ હોઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ચલણી નોટો નેપાળમાં સરળતાથી ચાલતી હતી. નેપાળની બેન્કોમાં કરોડોની સંખ્યામાં રદ કરાયેલ રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની નોટો ફસાઇ ગઇ હતી અને ભારત સરકાર તેને પરત લેવા તૈયાર નહોતી.