નીરજ ચોપરા ગોલ્ડ ચૂક્યો, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ,જાણો કોને મળ્યો ગોલ્ડ
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સિલ્વર મેડલ જીત્યો છે. તે ટોક્યો ઓલિમ્પિકમાં જીતેલા ગોલ્ડ મેડલને ડીફેન્ડ ન કરી શક્યો, કારણ કે આ વખતે ગોલ્ડ પાકિસ્તાનના અરશદ નદીમના નામે ગયો છે. નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો, પરંતુ નદીમે ગોલ્ડ મેડલ જીતીને ઓલિમ્પિક રેકોર્ડ તોડીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. 2024 ઓલિમ્પિકમાં ભારતનો આ પાંચમો મેડલ છે, આ પહેલા ભારતે 4 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
નીરજ ચોપરાનો પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, પરંતુ બીજા પ્રયાસમાં તેણે 89.45 મીટરનો ભાલો ફેંકીને સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો. અગાઉ 2024 સીઝનમાં, તેનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.34 મીટર હતો, જે તેણે પેરિસ ઓલિમ્પિક 2024ના ક્વોલિફિકેશન રાઉન્ડમાં હાંસલ કર્યો હતો. નીરજને 6 પ્રયાસો મળ્યા જેમાંથી પાંચ ખાલી રહ્યા. ગોલ્ડ મેડલ ન જીતવાની નિરાશા નીરજના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. તેમ છતાં નીરજે ભારતીય ખેલાડીઓ અને યુવાનો માટે નવા માપદંડો સ્થાપિત કર્યા છે.
નીરજ હવે સ્વતંત્ર ભારતનું પ્રતિનિધિત્વ કરતા 2 ઓલિમ્પિક મેડલ જીતનાર માત્ર ચોથો ખેલાડી બની ગયો છે. તેમના પહેલા સુશીલ કુમાર, પીવી સિંધુ અને મનુ ભાકર બે-બે ઓલિમ્પિક મેડલ જીતી ચૂક્યા છે. આ પહેલા નીરજે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પાકિસ્તાની ખેલાડીએ ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો
પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં પાકિસ્તાનના અરશદ નદીમે બધાને ચોંકાવી દીધા છે. નીરજ ચોપરાની જેમ તેનો પહેલો પ્રયાસ પણ ખાલી રહ્યો હતો, પરંતુ બીજા પ્રયાસમાં તેણે 92.97 મીટર ભાલો ફેંકીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. તેમના પહેલા, ભાલો ફેંકવાનો ઓલિમ્પિક રેકોર્ડ નોર્વેના એન્ડ્રેસ થોર્ડકિલસનના નામે હતો, જેમણે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટર ભાલો ફેંક્યો હતો. અરશદ નદીમનો છેલ્લો થ્રો પણ 90 મીટરથી ઉપર હતો જે 91.79 મીટરના અંતરે પડ્યો હતો.