1993ના મુંબઈ બ્લાસ્ટનો આરોપી અને મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ બકર દુબઈમાં પકડાયો
1993માં મુંબઈમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ભારતીય એજન્સીઓને દુબઈમાં મોટી સફળતા મળી છે. આ કેસમાં સુરક્ષા એજન્સીઓએ ભારતના બે મોસ્ટ વોન્ટેડ આતંકીઓને પકડી લીધા છે. ઝડપાયેલા એક આતંકીની ઓળખ અબુ બકર તરીકે થઈ છે. અબુ બકર પાક. અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ટ્રેનિંગ, આરડીએક્સ લાવવામાં અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના દુબઈ સ્થિત ઘર પર ષડયંત્ર રચવામાં સામેલ હતો.
એજન્સીઓના જણાવ્યા અનુસાર, મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં અબુ બકર મુખ્ય ષડયંત્રકારોમાંથી એક હતો અને તે પાકિસ્તાન તથા યુએઈમાં રહેતો હતો. એજન્સીઓએ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે તેની ધરપકડ કરી છે. હાલ ઘણા લાંબા સમયથી મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રહેલા આ બંને આતંકીઓના પ્રત્યર્પણ માટે એજન્સીઓએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.
અબુ બકરનું આખું નામ અબુ બકર અબ્દુલ ગફૂર શેખ છે, જે મોહમ્મદ અમે મુસ્તફા ડોસા સાથે સ્મગ્લિંગમાં સામેલ હતો. અબુ બકરે સોનું, કિંમતી-બ્રાન્ડેડ કપડાં અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ગલ્ફ કન્ટ્રીઝમાંથી મુંબઈ અને આસપાસના લેન્ડિંગ પોઈન્ટમાં સ્મગ્લિંગ કરી હતી. તેની સામે વર્ષ 1997માં રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી અને ત્યારથી જ બારતીય એજન્સીઓ તેની તલાશમાં હતી. અબુ બકર દુબઈમાં અનેક બિઝનેસ સાથે સંકળાયેલો છે. તેણે ઈરાનની એક મહિલા સાથે બીજા લગ્ન કર્યા છે. કેન્દ્રિય તપાસ એજન્સીઓના સૂત્રોએ અબુ બકર સહિત કુલ બે આતંકીઓની ધરપકડની વાતની પુષ્ટિ કરી છે. હાલ તેના સમર્પણની પ્રક્રિયા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં 12 માર્ચ, 1993ના રોજ 12 સ્થળોએ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકોના મોત થયા હતા અને 713 લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નરસીનાથ સ્ટ્રીટ, શિવસેના ભવન, સેન્ચુરી બજાર, માહિમ, ઝવેરી બજાર, સી રોક હોટલ, પ્લાઝા સિનેમા, જુહુ સેન્ટર હોટલ, સહાર એરપોર્ટ અને એરપોર્ટ સેન્ટુર હોટલની આસપાસ કરવામાં આવ્યા હતા. બં કલાક દરમિયાન થયેલા કુલ 13 બોમ્બ વિસ્ફોટોમાં 27 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું.