મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો
સંવત 2081ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ 500 પોઇન્ટના ઉછાળા સાથે 79,893 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 150 પોઇન્ટના ઉછાળા સાથે 24,353 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
શેરમાર્કેટમાં 1 નવેમ્બરે દિવાળી મનાવવામાં આવી રહી છે. જેના પગલે આજના દિવસે માત્ર એક કલાક માટે બજાર ઓપન થાય છે. જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. ત્યારે મુહૂર્ત ટ્રેડિંગમાં જ શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. પરિણામે રોકાણકારોના ચહેરા પર રોનક ખીલી હતી.
આ શેરમાં જોવા મળી તેજી
નિફ્ટી પર એમએન્ડએમ, આઇશર મોટર્સ, ઓએનજીસી, ટાઇટન કંપની અને ઇન્ડસઇન્ડ બેન્ક સૌથી વધુ વધ્યા હતા. જ્યારે બ્રિટાનિયા, સન ફાર્મા, ICICI બેંક, ઇન્ફોસિસ અને HULના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતા.
BSE પર ટોપ ગેઇનર્સમાં M&M, NTPC, ટાટા મોટર્સ, ટાઇટન અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે. તેમજ TCS, એશિયન પેઇન્ટ્સ, L&T, RIL અને ITC સૌથી વધુ ઘટ્યા હતા.
1957માં BSE પર પ્રથમ વખત મુહૂર્ત ટ્રેડિંગ શરૂ થયું હતું
દિવાળીના અવસર પર ભારતીય શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા છે. જો કે આ દિવસે સ્ટોક એક્સચેન્જમાં રજા હોય છે, પરંતુ રજાના દિવસે પણ ખાસ કરીને સાંજે એક કલાક માટે જ ખોલવામાં આવે છે, જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. વર્ષ 1957માં BSE પર પ્રથમ વખત મુહૂર્ત ટ્રેડિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે NSEમાં તેની શરૂઆત વર્ષ 1992માં થઈ હતી.