આજ રાતથી 7 હજારથી વધુ એસટીના કર્મચારીઓ હડતાળ પર
એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી વધુ એસટી બસનાં પૈડાં થંભી જશે. અમદાવાદ સહિત મોટા ભાગના ડિવિઝનના કર્મચારીઓએ રજાના રિપોર્ટ મૂકી દીધા છે.
આથી આજે રાત્રે મુસાફરી કરતા હજારો યાત્રિકોને પણ સાવધાની રાખવા અનુરોધ કરાયો છે અને જરૂર ન હોય તો મુસાફરી નહીં કરવા પણ જણાવાયું છે. યુનિયન દ્વારા સાતમા પગારપંચ સહિતના મુદ્દે કરાયેલી માગણી જો નહીં સંતોષાય તો જડબેસલાક હડતાળ પાડવા માટે આદેશ આપી દેવાયો છે, જેના કારણે યાત્રિકો રઝળી પડશે. એકસાથે હજારો એસટી બસનાં પૈડાં થંભી જશે તો રાજ્યભરના લાખો યાત્રિકોમાં અફરાતફરી મચી જવાની ભીતિ સેવાઈ રહી છે.
આ અંગે રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ સતુભા ગોહિલે જણાવ્યું હતું કે એસટી કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું સરકારે નિરાકરણ નહીં લાવતાં મજૂર મહાજન સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, એસટી કર્મચારી મંડળ, ઇન્ટુક અને ભારતીય મજદૂર સંઘ થકી બનેલી સંકલન સમિતિ દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ આંદોલનમાં રાજ્યભરના ૪પ હજાર કર્મચારીઓ જોડાઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અમદાવાદ સહિત રાજ્યભરમાંથી ૯ર ટકા કર્મચારીઓએ માસ સીએલ મૂકી દીધી છે.
આ અંગે એસટી સચિવ હાર્દિકભાઈ સગરે જણાવ્યું હતું કે આજે રાતે બાર વાગ્યાથી શરૂ થશે. ડ્રાઈવર, કંડકટર હડતાળ પર હોવાથી જો આ હડતાળ સુખઃદ અંત નહીં આવે તો પ્રવાસીઓએ ખાનગી વાહનવ્યવસ્થાનો આશરો લેવો પડશે. એસટી કર્મચારીનાં યુનિયન દ્વારા તાત્કાલિક માંગણી પૂરી કરવામાં નહિ આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે અને જ્યાં સુધી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.