વારાણસી: પીએમ મોદીએ ડીઝલમાંથી ઈલેક્ટ્રિક એન્જિનમાં બદલાતી ટ્રેનને આપી લીલીઝંડી
વડાપ્રધાન મોદી આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસીમાં પહોંચ્યા છે. આ તેમની 17મી મુલાકાત છે. સૌથી પહેલાં તેમણે ડીઝલથી ઈલેક્ટ્રિકમાં કન્વર્ટ થતી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ રવિદાસ જયંતીના દિવસે મોદી તેમના મંદિરે પણ ગયા હતા. અહીં તેઓ ભંડારામાં ભોજન પણ કરશે અને બપોર પછી તેઓ સંત સમાગમ સ્થળે પહોંચશે. ત્યારપછી બનારસમાં હિન્દુ વિશ્વવિદ્યાલય (બીએચયૂ) જશે અને અહીં કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારપછી વારાણસીમાં મોદી 2130 કરોડની યોજનાઓનું લોકાર્પણ કરશે.
પીએમ મોદી અહીં અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરવાના છે. તેમાં સેન્ટ્રલ ડિસ્કવરી સેન્ટર, સ્માર્ટ સિટી ઈન્ટીગ્રેટેડ કમાન્ડ સેન્ટર, માન મહલ મ્યૂઝિયમ, ગોઈઠહા એસટીપી પ્રમુખ મુખ્ય છે. ફેબ્રુઆરી મહિનામાં તેમની ઉત્તરપ્રદેશની આ ત્રીજી મુલાકાત છે. વડાપ્રધાન આજે પુલાવામામાં શહીદ થયેલા રમેશ યાદવ અને અવધેશ યાદવના પરિવાર સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતાઓ છે.
આજે અહીં મોદી ઔઢે ગામમાં જનસભા પણ સંબોધવાના છે. ફેબ્રુઆરી મહિનામાં મોદીએ આ ત્રીજી વખત ઉત્તરપ્રદેશની મુલાકાત લીધી છે. આ પહેલાં પણ 11 ફેબ્રુઆરીએ મોદી વૃંદાવન અને નોઈડા જ્યારે 17 ફેબ્રુઆરીએ ઝાંસી ગયા હતા. ત્યારપછી 24 ફેબ્રુઆરીએ ગોરખપુર અને 27 ફેબ્રુઆરીએ કોંગ્રેસના ગઢ અમેઠીની મુલાકાતે જવાના છે.