PM મોદીએ કહ્યું કે આવનારો સમય સુરતનો જ હશે, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે. ત્યારે સુરત નગરીમાં PM મોદીનું આગમન થતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત પક્ષના દિગ્ગજ નેતાઓએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદી સુરત એરપોર્ટ ખાતેથી નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત સહિત 1058 કરોડના પ્રોજેક્ટનું ઓનલાઈન ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદીએ જાહેર સભાને સંબોધન કરવા જણાવ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયાને સુરત શહેર સશક્ત કરી રહ્યું છે. આવનારો સમય સુરતનો જ છે.
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ 25 લાખ ઘર બનાવેલા આ સરકારે સાડા ચાર વર્ષમાં એક કરોડ 30 લાખ ઘર બનાવ્યાં સાથે એલઈડી બલ્બ 300માંથી માત્ર 40 કરી દીધા. બાકીના રૂપિયા ક્યાં જતા એ મને નહીં રાજીવ ગાંધીને પુછો એમણે કહેલું 85 પૈસા વચ્ચે ખવાઈ જાય છે. અમે એ વચેટીયા બંધી કરી દીધા છે. એટલે એ લોકોને ગમતું નથી અને નકારાત્મક વાતો ફેલાવી રહ્યાં છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, સુરતની તાકાત અમે જોઈ શકતા હતા અને એટલે જ મુખ્યમંત્રી હતો ત્યારથી એરપોર્ટ માટે અમે આંદોલન કરેલું તે કેમ ભુલાય. આ શહેરનો વિકાસ અમને દેખાતો અને એટલે જ આટલો મોટો પ્રોજેક્ટ શરૂ થયો છે. શહેર હવે ભારતમાં શિરમોર બનવા જઈ રહ્યું છે. આવનારા 10-15 વર્ષમાં વિશ્વના વિકસતા શહેરોમાં બધા ભારતના હશે અને તેમાં પણ સુરત સૌથી આગળ હશે. એરપોર્ટના વિકાસથી હીરા અને કાપડના વ્યવસાયને સરળતા રહેશે. વડાપ્રધાને ઉડાન યોજનાના વખાણ કરતાં જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત હવાઈ સફર સસ્તી થઈ છે. 12 લાખ સીટો સસ્તી થઈ છે.સી પ્લેનની સુવિધા શરૂ થતાં જ શેત્રુંજયથી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ શકાશે. મધ્યમવર્ગ માટે કોઈ યોજના નહોતી અમને મકાન લેનારાને 20 લાખના વ્યાજમાંથી છ લાખની રાહત કરી આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે ખાતો નથી ખાવા દેતો નથી તે સાબિત કરી આપ્યું છે. સુરત સૌથી ફાસ્ટેસ્ટ સિટી દુનિયામાં છે ત્યારે આ એરપોર્ટથી વધુ પ્રગતિ થશે. વાયબ્રન્ટના કારણે રાજ્યનો વિકાસ થયો છે. આવનારા દિવસોમાં વિકાસને ધ્યાનમાં રાખીને જ્યાં માનવી ત્યાં સુવિધા એ સંકલ્પને વડાપ્રધાન ચરિતાર્થ કરી રહ્યાં છે. નવસારીના સાંસદ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, 29 જુલાઈ 2011ના રોજ 20 હજાર લોકોએ એરપોર્ટ પર પહોંચીને પ્લેન રોકો આંદોલન કર્યું હતું. જ્યારે મોદીજી વડાપ્રધાન બન્યા અને દીર્ઘ દ્રષ્ટીથી ફ્લાઈટ વધારવામાં આવી. સુરતના વિકાસની સાથે સાથે એરપોર્ટ પર આજે 72 ફ્લાઈટ આવે છે એક દિવસમાં સાત શહેરને સાંકળતી ફ્લાઈટ શરૂ થઈ જે રેકોર્ડ છે.
પીએમ નરેન્દ્ર મોદી સુરત આવી પહોંચ્યા છે. અને વિરોધના ભયના પગલે પીએમ મોદીના આગમન પહેલાં જ પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રવક્તા શાન ખાન અને દલિત નેતા કિરીટસિંહ વાઘેલાની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. જ્યારે વરાછામાં પાસના આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
દાંડીયાત્રા 75 વર્ષની ઉજવણી વખતે 6 એપ્રિલ 2005માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 14 વર્ષે પૂરા થયેલા આ પ્રોજેક્ટમાં દાંડીના દરિયા કિનારે ગાંધીજી સાથેના 89 સત્યાગ્રહીઓની પ્રતિમા અહીં મૂકવામાં આવી છે. આ દાંડી સ્મારકનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.અમદાવાદથી નીકળેલી આ યાત્રા વેજલપોર પહોંચ્યા બાદ 4 એપ્રિલે સાંજે 6 વાગ્યે મટવાડ રવાના થઇ હતી.બાપુની આગેવાનીમાં કુચયાત્રીઓ 8.45 વાગ્યે મટવાડ પહોંચ્યા હતા.હજારો લોકો મટવાડમાં બાપુનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ દાંડીમાં સભા સંબોધતા કહ્યું હતું કે મીઠાના સત્યાગ્રહ માટે ઈશ્વરે દાંડીની પસંદગી કરી છે.