હવે રાજકોટમાં પણ બનાવાશે મિની કોકિલાબેન હોસ્પિટલ
ગુજરાતમાં 2022 સુધીમાં મહારાષ્ટ્રની જેમ અત્યાધુનિક સુવિધાઓ અને ઉપકરણો સાથે મિની કોકિલાબેન હોસ્પિટલ સ્થાપવામાં આવશે. તેવું અંધેરી સ્થિત મલ્ટિસ્પેશિયાલ્ટી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (કેડીએએચ) એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં અધ્યક્ષા ટીના અંબાણીએ જણાવ્યું હતું. હોસ્પિટલને 10 વર્ષ પૂરાં થયાં તે નિમિતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટમાં બે-અઢી એકરમાં 225-250 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. જેમાં કેન્સર, લિવર ટ્રાન્સપ્લાન્ટ, બોન મેરો, રોબોટિક સર્જરી સહિત મુંબઈ જેવી જ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ઉપરાંત હાલ રાજકોટ, સુરતમાં ક્લિનિક્સ યોજાય છે તેનું પણ અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરાશે. કેડીએએચ ઇન્દોર અને રાયપુરમાં વર્ષ 2020 સુધીમાં બે નવી હોસ્પિટલ ખોલશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 18 કેન્સર કેર સેન્ટર ખોલવાના ભાગરૂપે બે સેન્ટર અકોલા અને ગોંદિયામાં ખૂલી ગયાં છે તથા ત્રીજું સેન્ટર સોલાપુરમાં માર્ચ સુધીમાં ખૂલશે. આ સાથે દિલ્હી, જબલપુર, હૈદરાબાદ સહિત દેશભરમાં કેન્સર સેન્ટરો લઈ જવાની યોજના છે. એમ પણ ટીના અંબાણીએ જણાવ્યું હતું