
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં મોટું એન્કાઉન્ટર થયું છે. તેમાં લશ્કરના આતંકવાદી કમાન્ડર લતીફ ભટને સુરક્ષા દળોએ ઠાર માર્યો છે. તેમાં તેનો એક સાથી પણ માર્યો ગયો છે.
CRPF પોસ્ટ પર તૈનાત જવાનો પર 30 રાઉન્ડ ફાયરિંગ કરનારા આતંકવાદી અને તેના સાથીને સેનાએ ઠાર માર્યા છે. સોમવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના લારૂમાં સેના અને પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. માર્યો ગયેલો આતંકવાદી લશ્કર-એ-તૈયબા (LeT)નો એકમાત્ર જીવિત બચેલો કમાન્ડર લતીફ ભટ હતો.
લતીફ ભટ છેલ્લા દિવસોમાં સીઆરપીએફ પર થયેલા હુમલા અને મજૂરોની ટાર્ગેટ કિલિંગનો માસ્ટરમાઇન્ડ હતો. તેને ઠાર કરવો એ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. છેલ્લા ઘણા દિવસોથી તેની શોધમાં સર્ચ ઑપરેશન ચાલી રહ્યું હતું. અબ્દુલ લતીફ ભટના આતંકવાદ સાથે જોડાવાની કહાની પણ ચર્ચામાં રહી છે. 22 વર્ષનો લતીફ ક્યારેક કારપેન્ટરનું કામ કરતો હતો, પરંતુ પછી આતંકવાદી સંગઠનમાં જોડાઈ ગયો હતો.
સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓની માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી.
સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ ઠેકાણાની નજીક પહોંચતાની સાથે જ છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થઈ ગયો.
