અમદાવાદના જીવરાજ પાર્કમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ
શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આજે સવારે ભરચક વિસ્તારમાં દુકાનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. આગ લાગી તે કોમ્પ્લેક્સમાં એક ટ્યૂશન ક્લાસીસ હતાે. જેમાં આગનો ધુમાડો પ્રસરતાં ૧૬ વિદ્યાર્થી તેમજ શિક્ષકો ફસાયા હતા. જેમાં સ્થાનિકોએ તેમને બહાર કાઢતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારના રહીશોમાં યુફોર્મનાં ગોડાઉનના માલિક વિરુદ્ધમાં રોષ જોવા મળ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમે ઉપરાછાપરી પાણીનો મારો ચલાવતાં આગ કાબૂમાં લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા સહજાનંદ કોમ્પ્લેક્સમાં અરિંહત એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં યુફોર્મનાં ત્રણ ગોડાઉન આવેલાં છે. આ કોમ્પ્લેક્સની એક દુકાનમાં કરિયાણાનું ગોડાઉન પણ આવેલું છે, જ્યારે કેટલીક દુકાનોમાં તથા આસ્થા અને સંસ્કાર નામના બે ટ્યૂશન ક્લાસીસ આવેલા છે. આજે સવારે અરિહંત એન્ટરપ્રાઇઝના યુફોર્મનાં ગોડાઉનમાં શોર્ટસર્કિટ થતા એકાએક આગ ભભૂકી ઊઠી હતી.
યુફોર્મ હોવાથી આગ એટલી જલદી પ્રસરી ગઇ કે ગણતરીની મિનિટોમાં કાળા ધુમાડા બહાર આવવા લાગ્યા હતા. ધુમાડા જોતાંની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગને બુઝાવવા માટે પાણીનો મારો કરવા લાગ્યા હતા. જોકે આગ એટલી બધી વિકરાળ હતી કે ફાયરબ્રિગેડ સિવાય તે બુઝાય તેમ હતી નહીં. જેથી સ્થાનિકોએ ફાયરબ્રિગેડની ટીમને ફોન કરીને જાણ કરી હતી.
આગની જાણ થતાંની સાથે બે ફાયરફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને આગનો બુઝાવવા માટે પાણીનો મારો ચાલુ કર્યો હતો. યુફોર્મના ગોડાઉનમાં આગ લાગી હોવાથી બે ફાયરફાઇટરથી પણ આગ બુઝાઇ નહીં જેથી વધુ ફાયરફાઇટર ઘટના સ્થળે આવી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડો કોમ્પ્લેક્સમાં પ્રસરવા લાગ્યો હતો.